2017માં સિંહને હરાવી શિયાળને વિજેતા બનાવ્યાનું દુઃખ : હાર્દિક પટેલ

- text


જેતપરમાં કોંગ્રેસની સભામાં હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ભાજપ અને બ્રિજેશ મેરજા પર કર્યા આકરા પ્રહારો :આમ આદમી પાર્ટીના પૂર્વ હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં ભળ્યા

મોરબી : મોરબીમાં પેટા ચૂંટણીના પ્રચારમાં સભાઓમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દૌર ચરમસીમાએ પહોંચી ગયો છે. શુક્રવારની મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોરબીના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં જંગી મેદનીની સભા યોજી હતી. હાર્દિક પટેલે સભાની શરૂઆતમાં બ્રિજેશ મેરજા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે 2017ની ચૂંટણીમાં સિંહને હરાવી શિયાળને જીતાડયો એ આમારી ભૂલ છે. તેમ કહી કાંતિલાલ અમૃતિયાનાની ટિકિટ કાપી એમની રાજકીય કારકિર્દી પતાવી દેવાનો ભાજપ પર આક્ષેપ કર્યો હતો. બ્રીજેશ મેરજા મીંઢો માણસ છે. જેણે 20 કરોડ રૂપિયામાં પોતાનો સોદો કરી ભાજપમાં ભળી મતદારો સાથે દગો કર્યો છે એવો સનસનાટી મચાવતો દાવો કરતા હાર્દિકે કહ્યું હતું કે, કમોસમી વરસાદ હમેશા પાક માટે નુકશાનકારક હોય છે એમ આ પેટા ચૂંટણી પણ આપણી મહેનતના ટેક્સના રૂપિયાની બરબાદી છે. પેટા ચૂંટણીનો ખર્ચ પાટલી બદલુઓને કારણે જનતાએ ઉઠાવવો પડી રહ્યો છે. આવતી ત્રણ તારીખે કોંગ્રેસના પંજાનું બટન દબાવી જ્યંતી પટેલને 25 હજાર મતોની લીડથી વિજયી બનાવવા હાર્દિકે મતદારોને અપીલ કરી હતી. હાર્દિક પટેલે જેતપરની સભામાં બ્રિજેશ મેરજાના પક્ષ પલ્ટા અંગે ગર્જના કરતા કહ્યું હતું કે, તમે સિંહની (કાંતિલાલ અમૃતિયા)ને છોડીને શિયાળને ચૂંટયો હતો. જો કે ભુલ કોંગ્રેસની પણ હતી કે તેમણે શિયાળને ઉમેદવાર બનાવ્યો હતો. કાંતિલાલ અમૃતિયાની રાજકીય કારકિર્દી ખતમ કરવા મેરજાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે એમ કહીને હાર્દિકે ભાજપમાં અંદરોઅંદર વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો. મેરજાએ વીસ કરોડ રૂપિયા લીધા હોવાનો હાર્દિકે એક તબ્બકે આક્ષેપ કરી સભામાં સનસનાટી મચાવી દીધી હતી.

ગામમાં ઉપસ્થિત વિશાળ જનમેદની જોઈને હાર્દિક સહિતના નેતાઓએ જીતશે જેન્તીલાલનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે લલિત કગથરા, જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, ઘનશ્યામભાઈ જાકાસણીયા, કે.ડી. બાવરવા, નાથાભાઇ ડાભી સહિતના અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉક્ત સભામાં કોંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરી જણાવ્યું હતું કે હાલ આવી પડેલી પેટા ચૂંટણી કમોસમી છે. અલગ અલગ ફતવાઓ બહાર પાડી સરકાર ખેડૂતોને લોલીપોપ આપે છે. બે ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ થયો છે ત્યારે ખેડૂતોને થયેલું નુકશાન ન ચૂકવવું પડે એ માટે રાજ્ય સરકાર નિંદનીય ફતવાઓ બહાર પાડે છે.

- text

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની સભામાં આમ આદમી પાર્ટીના પૂર્વ હોદ્દેદારો વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના બેઠકના પૂર્વ ઉમેદવાર અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉપાધ્યક્ષ કમલેશ દઢણીયા, ભૂતપૂર્વ મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ભૂ. પૂ. મોરબી જિલ્લા ઉપ પ્રમુખ કનૈયાલાલ બાવરવા, ધ્રાંગધ્રાના ભૂ. પૂ. તાલુકા પ્રમુખ કલ્પેશ મુલાડીયા, મોરબી શહેરના ભૂ. પૂ. યુવા પ્રમુખ મયુર બાવરવા, મોરબી તાલુકા ભૂ. પૂ. પ્રમુખ દિલીપભાઇ ભોરણિયા, મોરબી શહેર ભૂ.પૂ. સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અનિલભાઈ વડાવીયા તથા આપના ભૂતપૂર્વ સક્રિય કાર્યકરો કમલેશ પટેલ, વિપુલ પટેલ, ચંદુ મોરી, રોહિત સુરાણી, કરશન પરમાર, સંદીપ જોટાણીયા, મનસુખ પટેલ, કમલેશ હોથી, શૈલેષ પટેલ સહિતના ટેકેદારોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

- text