મોરબીમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

સિરિયલથી સંસદ સુધી પહોંચેલા સ્મૃતિ ઈરાનીના રાહુલથી લઈ હાર્દિક પટેલ પર તેજાબી ચાબખા, ગુજરાતી અને હિન્દીમાં આપ્યું ભાષણ

“સાંસદ ભલે હું અમેઠીની છું પણ દીકરી અને વહું તો ગુજરાતની જ છું”, કહી ભાજપ તરફી મતદાન કરવાની કરી અપીલ

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારતા જ સાતમા નોરતે આજે ચૂંટણીના માહોલમાં ભારે ગરમાવો આવ્યો હતો. મોરબીમાં આજે શુક્રવારે હાઉસીંગ બોર્ડમાં સવાર સવારમાં ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકયું હતું. વિશાળ જનમેદનીને સંબોધન કરતા ઈરાનીએ કોંગ્રેસ પાર્ટી, તેમની વિચારધારા અને રાહુલ ગાંધીથી લઈ હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

“હું સાંસદ ભલે અમેઠીની છું પણ દીકરી અને વહું તો ગુજરાતની જ છું” એમ કહી સ્મૃતિ ઈરાનીએ વિશાળ વર્ગમાં ઉપસ્થિત મહિલાઓને આકર્ષી હતી. ગુજરાતી અને હિન્દી એમ બન્ને ભાષાઓમાં સ્મૃતિ ઈરાનીએ ભાષણ કર્યું હતું.

કપડાં અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટથી સીધા મોરબી આવ્યા હતા. અહીં હાઉસિંગબોર્ડ ખાતે ઈરાનીએ વિશાળ સભામાં પ્રવેશ કરતા જ મહિલાઓ સહિત ભાજપ કાર્યકર્તાઓ અને મતદારોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. સિરિયલથી સંસદ સુધીની સફળતાપૂર્વક સફર કરનાર સ્મૃતિ ઈરાનીએ પોતાના ચીરપરિચિત અંદાજમાં ગુજરાતીમાં વક્તવ્ય આપવાની શરૂઆત કરી હતી. જો કે રાષ્ટ્રીય મુદ્દાઓ અને મોદી સરકારની વિકાસગાથા વર્ણવામાં ઈરાનીએ છૂટથી હિન્દી ભાષાનો પ્રયોગ કર્યો હતો. આજે સાતમે નોરતે કાલરાત્રી માતાના સ્વરૂપને યાદ કરી ઈરાનીએ તેના વક્તવ્યની શરૂઆત કરી હતી. કોંગ્રેસે વર્ષો સુધી ભારતને લૂંટયું છે; કોંગ્રેસની કુનીતિનો સંહાર કરવાનો સંદેશ આજે મોરબીની જનતાને આપવા આવી છું એમ કહી સ્મૃતિ ઈરાનીએ પોતાના વકત્વની શરૂઆતમાં જ કોંગ્રેસને આડે હાથે લેવાનું ચાલુ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ કોરોના સામેની લડાઈમાં આત્મનિર્ભર ભારત યોજના અને તેના પેકેજ વિશે કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભ્રમનો પર્દાફાશ કર્યો હતો.

આત્મનિર્ભર ભારત લઘુ ઉધોગોમાં ક્રાંતિ લાવશે એમ કહેતા ઈરાનીએ ઉમેર્યું હતું કે, રૂપિયા 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની યોજના દ્વારા ગરીબો, મહિલાઓ અને નાના વ્યવસાયકારોની મદદ સરકાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે આ યોજના અંગે દુષ્પ્રચાર શરૂ કર્યો છે. વિજય રૂપાણીની સરકારે 2 લાખ નાગરિકોને માત્ર 2 ટકાના વ્યાજે 1-1 લાખ રૂપિયાની લોન આપવાની શરૂ કરેલી યોજનાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. ગુજરાતની શાન અને ભારતની આન માટે કોંગ્રેસે ક્યારેય એક શબ્દ પણ ઉચ્ચર્યો નથી. કોરોના મહામારી સામેની લડાઈમાં ભાજપના તમામ નેતાઓથી લઈને નાનામાં નાનો કાર્યકર જ્યારે દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા, ભુખ્યાને ભોજન કરાવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસનો એક પણ નેતા અને કાર્યકર શોધ્યો પણ જડતો ન હતો. ખેડૂતોના હિત માટેના બીલની ચર્ચા સંસદમાં થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ વિદેશમાં જતા રહ્યા હતા. એમ કહી સ્મૃતિ ઈરાનીએ ભાજપની વિકાસ ગાથાની તુલના કોંગ્રેસની સંકુચિત માનસિકતા સાથે કરી હતી.

રામ મંદિર ઉપરાંત ઇરાનીના ભાષણમાં 370 કલમની નાબુદી અને કોંગ્રેસનો એ અંગે વિરોધ, સર્જીકલ સ્ટ્રાઈક મામલે ભારતીય સેના પર કોંગ્રેસ દ્વારા ઉભી કરાયેલી શંકા અને પાકિસ્તાનને કોંગ્રેસનું આડકતરું સમર્થન જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યા હતા. અંતમાં મોરબી સીરામીક ઉધોગને સસ્તા ભાવે ગેસ આપવાની ઉપલબ્દ્ધિ અને ચાઇના સામેની ઔધોગિક લડાઈમાં મોરબીમાં શરૂ થયેલો રમકડાં બનાવવાના ઉધોગનો તેણીએ ઉલ્લેખ કરી આત્મનિર્ભર ભારતની પરિકલ્પનામાં મોરબીના સિંહફાળાને આવકર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે મોરબીના ઉધોગો આત્મનિર્ભર ભારતની પરિકલ્પનામાં અગ્રેસર રહેશે.

ઈરાનીના ભાષણ પૂર્વે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ સ્મૃતિ ઈરાની અને અન્ય આગેવાનોનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ પોતાના ટૂંકા વક્તવ્યમાં કાર્યકર્તાઓને બુથ લેવલ સુધી કામે લાગી જવાની હાંકલ કરી કોંગ્રેસને વાંજણી ગણાવી હતી. હાર્દિક પટેલના સી.આર. પાટીલ વિશેના એક નિવેદનનો જવાબ આપતા જાડેજાએ કહ્યું હતું કે સી.આર.પાટીલ છેલ્લા 40 વર્ષોથી ભાજપના સંનિષ્ઠ કાર્યકર છે અને 15 વર્ષોથી સાંસદ છે જેઓને ભાજપે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી છે. જ્યારે હાર્દિક પટેલ આજકાલમાં કોંગ્રેસી બન્યો છે છતાં કોંગ્રેસે તેને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધો છે એટલે પાટીલ વિશે ટિપ્પણી કરવાનો હાર્દિકને કોઈ નૈતિક અધિકાર જ નથી.

આઈ. કે. જાડેજાએ મોરબીના મતદારોને મેરજાને જંગી લીડથી જીતાડવાની અપીલ કરતા જણાવ્યું હતું કે મોરબીના વિકાસમાં જો કોઈ કચાશ રહી ગઈ હશે તો એ હવે નહી રહે. કેમકે કેન્દ્રમાં ભાજપની સરકાર, રાજ્યમાં ભાજપની સરકાર અને હવે મોરબીનો ધારાસભ્ય પણ ગૃહમાં હશે આથી આ તમામ મજબૂત કડીઓ જોડાઈને વિકાસ હવે વેગ પકડશે એવી ખાત્રી જાડેજાએ ઉચ્ચારી હતી. ઉપરોક્ત સભામાં પૂર્વ મંત્રી જેન્તી કવાડિયા, અંજલિબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા (મોરબી-માળીયા વિધાનસભા ઇન્ચાર્જ), મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ, મોરબી જિલ્લા પ્રભારી મેઘજીભાઈ કણજરીયા, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, મોરબી શહેર ઇન્ચાર્જ પ્રદીપભાઈ, જ્યોતિભાઈ, રાજકોટ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, મોરબી મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સાથેનો નાતો જોડતા સ્મૃતિ ઈરાની : ગુજરાતના ફાફડા ગાંઠિયા-જલેબીનો સ્વાદ ઈરાનીની ‘સ્મૃતિ’માં હજી છે જળવાયેલો

સાંસદ ભલે અમેઠીની છું પણ દીકરી અને વહું તો ગુજરાતની જ છું એમ કહીને ઈરાનીએ સૌરાષ્ટ્રની મહેમાનગતિના વખાણ કરી અંજલિબેન રૂપાણી સાથે આજે રાજકોટમાં થયેલા સંવાદને વાગોળ્યો હતો. રાજકોટથી મોરબી આવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ અંજલિબેન રૂપાણીને ફાફડા ગાંઠિયા-જલેબીની યાદ અપાવીને મીઠી ફરિયાદ કરી હતી કે, મને મોરબી એમને એમ જ મોકલશો કે ફાફડા ગાંઠિયા-જલેબીનું ભાથું બાંધી દેશો? ત્યારે અંજલિબેને ઈરાનીને ગાંઠિયા-જલેબીથી સંતુષ્ઠ કરાવતા જણાવ્યું હતું કે, હા..હા… ગાંઠિયા-જલેબી અને થેપલાની લિજ્જત તમને દિલ્હીમાં નહીં મળે એ મને ખ્યાલ છે એટલે આપના માટે પૂરતી વ્યવસ્થા કરી રાખી જ છે. આમ ઈરાનીની ‘સ્મૃતિ’માં ગુજરાતના ગાંઠિયા-જલેબીનો સ્વાદ હજુ વળગેલો છે એવું તેમને જાહેરમાં કહી કાઠિયાવાડી મહેમાનગતિને ભરપેટ વખાણી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate