મોરબી : નીતિમત્તા અને કથળેલી કાયદો વ્યવસ્થા અંગે ભાજપ પર કોંગ્રેસના ગંભીર આક્ષેપો

આંકડાકીય માહિતી રજૂ કરી મોરબીની ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપતા કોંગ્રેસ પ્રવક્તા

મોરબી : જેમ જેમ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો નજીક આવતી જાય છે તેમ તેમ બન્ને મુખ્ય પક્ષો આક્રમક સ્થિતિમાં આવતા જતા હોવાનું આજે મંગળવારે કોંગ્રેસની પ્રેસ કોન્ફ્રાન્સમાં જોવા મળ્યું હતું. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીએ આંકડાકીય વિશ્લેષણ રજૂ કરી ભાજપના રાજમાં વ્યાપ્ત અરાજકતા, ગુંડાગીરી, ખેડૂતોની સમસ્યા, આત્મહત્યા, વ્યાપાર-ધંધા અને રોજગાર તથા ઇન્ડસ્ટ્રીઝની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરી ભાજપ પર સણસણતા આક્ષેપો કર્યા હતા.

કોગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ઓળખસમા સીરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જીન, બ્રાસપાટ સહિતના ૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોનો ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે એમ જણાવતા ડૉ. દોશીએ કહ્યું હતું કે, ચાઈનાથી કરોડો રૂપિયાની સિરામીક, પ્લાસ્ટીક સહિતની ચીજવસ્તુઓ, મશીનરી ગુજરાત અને દેશમાં ઠલવાય છતાં ભાજપ સરકાર આ બાબતે ચૂપ કેમ છે? ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ સરકારી શાળાને બંધ કરીને શિક્ષણનો અધિકાર ભાજપ સરકાર છીનવી રહી છે. સૌરાષ્ટ્રની ૮૨૮ શાળા પૈકી મોરબીની ૭૫ શાળાઓને તાળા લાગી રહ્યાં છે.

કેન્દ્રની કોંગ્રેસની પૂર્વ સરકારે દેશના ગરીબ સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો હતો. જ્યારે ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી હોવાની વિસ્તૃત વિગતો મોરબી ખાતે પત્રકાર પરિષદમાં રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ઓછી સંખ્યાના નામે ૫૨૨૩ જેટલી શાળાઓને તાળા મારી રહી છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રની ૮૨૮ જેટલી શાળા પૈકી મોરબીમાં ૭૫ શાળાઓને તાળા લાગી રહ્યાં છે. રાજ્યમાં ટેટ-ટાટ, એલઆરડી, ગ્રામ સેવક, તલાટી, બિનસચિવાલય કલાર્ક, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર સહિતની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, પેપર ફુટવા, લાખો રૂપિયાની લેવડદેવડ એ જ હવે તો ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. ભાજપ સરકારે વિવિધ ભરતી પરીક્ષાની ફોર્મ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લીધી છે. ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડૉક્ટર વિનાનુ દવાખાનુ ભાજપ સરકારની ઉપલબ્દ્ધિ છે.

સીરામીક ઉદ્યોગ તકલીફમાં હોય ત્યારે મંત્રીશ્રી ન આવે પણ પક્ષપલટુના સ્વાગતમાં મંત્રીશ્રી આવે, મોટા ઉદ્યોગોને અબજો રૂપિયાની રાહત મળે પણ નાના ઉદ્યોગોને મદદ ન કરવાની ભાજપ સરકારની નીતિ રહી છે. ખેડૂત અને ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ, ખેડૂત વિરોધી, યુવા વિરોધી નિતિ પર મોરબી ખાતે પત્રકાર પરિષદમાં આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિ – રીતિ અને નિયતને કારણે દિન-પ્રતિદિન સમાજના તમામ વર્ગના લોકોને અન્યાય થાય, અત્યાચાર વધે એ રીતે શાસન ચાલી રહ્યું છે. લોકોમાં ખુબ મોટો આક્રોશ છે.

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખુબ મોટુ નુકસાન ગુજરાતના ખેડૂતો ભોગવી રહ્યાં છે. ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની ગઈ છે. ખાનગી વિમા કંપનીઓએ કુલ ૨૮૨૨ કરોડ જેટલી માતબર રકમ ખેડૂત પાસેથી પ્રિમિયમ પેટે વસૂલ કરી જેમાંથી માત્ર ૪૦ ટકા જેટલી રકમ વળતર પેટે ચૂકવવામાં આવી. અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ખૂબ મોટુ નુકસાન થયું. સરકારે જાહેર કરી કે પંદર દિવસની અંદર સર્વે કરીને નુકસાનીનું વળતર આપીશું. આજે લગભગ બે મહિના થયા છતા પણ એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચુકવાયું નથી. ભાજપ સરકારે જે ખેડૂત વિરોધી કાળા કાયદા બનાવ્યા. આથી ખેડૂત સ્વયં માલીકમાંથી ખેતમજૂર બનવાનો છે.

ખેડૂતને પોતાના જ ખેતરમાં કંપનીઓ જે ખેતી કરશે એની મજુરી કરવાના દિવસો આવવાના છે. ભાજપ સરકાર હંમેશા ઉદ્યોગપતિઓની સરકાર રહી છે. ઉદ્યોગપતિઓની મદદ કરવાની હોય, ઉદ્યોગપતિઓના ટેક્ષ માફ કરવાના હોય એને લાભ આપવાનો હોય તો સરકારી તિજોરીઓ ખુલ્લી મુકવામાં આવે છે. અને બીજી બાજુ જ્યારે કોરોના-લોકડાઉનને કારણે લોકો આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઈ છે, લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે એવા સમયમાં વિદ્યાર્થીઓની એકસત્ર ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો કરતા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી અને એક પછી એક ખોટી જાહેરાતો કરી લોકોને લોલીપોપ આપી રહી છે, ભરમાવી રહી છે. ભાજપ સરકારની ભૂલોને કારણે, વહીવટી અણઆવડત અને સંકલનના અભાવને કારણે કોરોના આજે આખા ગુજરાતમાં પ્રસર્યો છે. ૪૦૦૦ કરતા વધારે લોકોના મોત થયા છે. કોરોના મહામારીની આફતને પણ ભાજપે ભ્રષ્ટાચારનો અવસર બનાવી દીધો છે. પરિવારની દિકરી ઘરની બહાર જાય તો સાંજે સાજી-સુરક્ષીત ઘરે પાછી આવશે કે કેમ એવી ચિંતા માં-બાપને સતાવી રહી છે. ચારેતરફ ગુંડારાજ ચાલી રહ્યું છે.

ગુંડાઓ બેફામ થયા છે, ત્યારે રાજ્યની કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં લુંટના ૨૪૯૧, ખૂનના ૨૦૩૪, ધાડના ૫૫૯, ચોરીના ૨૫૭૨૩, બળાત્કારના ૨૭૨૦, અપહરણના ૫૮૯૭, આત્મહત્યાના ૧૪૭૦૨, ઘરફોડ ચોરીના ૭૬૧૧, રાયોટીંગના ૩૩૦૫, આકસ્મિક મૃત્યુના ૨૯૨૯૮, અપમૃત્યુના ૪૪૦૮૧ અને ખૂનની કોશીષના ૨૧૮૩ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ભાજપ સરકારના શાસનમાં બે વર્ષમાં ૧૪,૭૦૨ આત્મહત્યાના બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૨૦ નાગરીકોએ જીવન ટુંકાવવાની ફરજ પડી હતી. ખૂનના ૨,૦૩૪ બનાવો એટલે કે દરરોજ ૨-૩ ખૂનના બનાવો, બળાત્કારના ૨,૭૨૦ બનાવો એટલે કે દરરોજ ૩-૪ બળાત્કારનો દીકરી-મહિલાઓ ભોગ બની રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ આત્મહત્યાના બનાવોના આંકડાઓ ન વધે તે માટે આત્મહત્યાના બનાવોને આકસ્મિક મૃત્યુ કે અપમૃત્યુમાં ખપાવે છે. રાજ્યમાં દરરોજ ૧૨૦ કરતા વધુ નાગરીકો, યુવાન-યુવતીઓ આત્મહત્યા-અકુદરતી રીતે જીવન ટૂંકાવે છે.

મોરબી જીલ્લામાં કથળતી કાયદો – વ્યવસ્થાની સ્થિતિની વિગત આપતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ૨૫ લૂંટ, ૩૪ બળાત્કાર, ૬૦ ખૂન, ૯૪ અપહરણ, ૭ ધાડ, ૩૫૭ આત્મહત્યા, ૨૦૬ ચોરી, ૧૧૨૬ અપમૃત્યુ, ૫૬ રાયોટીંગ, ૭૬૯ આકસ્મિક મૃત્યુ, ૬૬ ઘરફોડચોરી, ૩૭ ખૂનની કોશીષના બનાવો પોલીસ ચોપડે નોંધાયેલા છે. આ તમામ આંકડા સંવેદનશીલ કહેવાતી ભાજપ સરકારની પોલ ખોલી રહ્યાનો ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate