ટંકારામાં ગોકળગાયની ગતિએ ચાલતી આધારકાર્ડની કામગીરીથી સ્થાનિકો પરેશાન

- text


ટંકારા : છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર રાજ્યમાં આધારકાર્ડ સંબંધી કામગીરી બંધ હતી જે બે સપ્તાહથી પૂર્વવત થઈ છે ત્યારે ટંકારામાં આધારકાર્ડની કામગીરી હજુ પાટે ચડી નથી. વર્ષની શરૂઆતથી ફાળવવામાં આવેલી 5 કીટ હજી પૂર્ણકાલીન સમય માટે શરૂ ન થતા અરજદારોને કચેરીએ ફોગટના ફેરા થતા હોય લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ સમસ્યાને લઈને અરજદારોએ મોરબી અપડેટનો સંપર્ક કરતા એક મુહિમ ચલાવવામાં આવી હતી. જેને લઈને આવનારા 10 દિવસોમાં નવા ઓપરેટરોની ફાળવણી કરવામાં આવનાર છે. ટંકારા સ્થિત આંગણવાડીમાં આધારકાર્ડ માટે બે કીટની ફાળવણી કરાઈ છે જોકે તે ઓપરેટર ન હોવાથી બંધ છે. હાલમાં ચાલુ માસથી બાળકોના નવા આધારકાર્ડ બનાવી આપતી એક જ કીટ કાર્યરત થઈ હોવાનું જાણવા મળેલ છે.

ટંકારામાં ભાડાના મકાનમાં કાર્યરત પોસ્ટ ઓફિસમાં બે કલાક માટે કામગીરી ચાલુ કરી છે જેમા દરરોજ આવતી ૧૦૦થી વધુ અરજીઓ પૈકી વધુમાં વધુ ૧૫ અરજદારોને ન્યાય આપી શકાય છે. આ ઉપરાંત મામલતદાર કચેરી ખાતે પણ બે કિટ ઉપલબદ્ધ હોવા છતાં ઓપરેટર દ્વારા બીજા મહિનામાં રાજીનામું આપતા હાલ અહીં પણ કામગીરી બંધ હાલતમાં છે. બેંકની દરેક કામગીરી માટે આધારકાર્ડ લગભગ અનિવાર્ય બની ગયું છે ત્યારે ટંકારા સ્થિત 7 અને તાલુકાના અન્ય ગામોમાં 10થી વધુ બેંકોમાં ગ્રાહકો માટે આધારકાર્ડની સુવિધા ઉપલબ્ધ નથી એ પણ વિડંબણા છે.

આધારકાર્ડ ની કામગીરી સંભાળતા મોરબી કલેકટર કચેરીના નાયબ મામલતદાર મેરસાણીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, ટંકારા કચેરી દ્વારા આ બાબતે ટેલીફોનિક જાણ થતા હાલ એક ઓપરેટરની નિયુક્તિ કરવામાં આવી છે અને તેની ઓનલાઈન અરજી ગાંધીનગર ખાતે મુકી છે. જ્યા ભારત સરકાર દ્વારા પાસવર્ડ આપી કામગીરી ચાલુ કરવામા આવશે. જો કે લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે બે કીટ ફળવાઈ હોવા છતાં એક ઓપરેટરની જ નિયુક્તિ માટે માંગણી કરાઈ હોવાથી સમસ્યા ઠેરની ઠેર રહેશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના પ્રારંભે જ ઓપરેટરે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ લોકડાઉનને લઈને આધારકાર્ડની કામગીરી સ્થગિત કરાઈ હતી. હજુ વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, ટંકારા મામલતદાર દ્વારા હજુ સુધી કલેકટર કચેરી ખાતે ટંકારાના ઓપરેટરના રાજીનામાની લેખિત જાણ કરવામાં આવી નથી એવી માહિતી આધિકારીક સૂત્રો પાસેથી મળી રહી છે. ત્યારે લોકડાઉનથી જ ઈન્ચાર્જ ઉપર રહેલા ટંકારાના મામલતદાર દ્વારા આધારકાર્ડની કામગીરી પુનઃ શરૂ થાય એ સંદર્ભે ક્યારે પગલાં ભરાય છે તે જોવું રહ્યું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text