આજે પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિવસ : અસ્મિતાનું અજવાળું જેના અંતરમાં પથરાયેલું હોય તે એટલે માનવ

- text


આજે મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે સ્વાધ્યાય પરિવાર તરફથી માનવ જીવનનું મહત્વ સમજાવતો પ્રેરણદાયી લેખ

ટંકારા : આજે તા. 19 ઓક્ટોબરના રોજ દાદાજી તરીકે ઓળખાતા સંત પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે પાંડુરંગ શાસ્ત્રીના જન્મદિનના શતાબ્દી અવસરે ટંકારાના સ્વાધ્યાય પરિવાર વતી ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષક પીપળીયા જીવતીબેન (જયશ્રીબેન) દ્વારા માનવ જીવનનું મહત્વ સમજાવતો પ્રેરણદાયી લેખ રજૂ કરવામાં આવ્યો છે. જે તમને શબ્દોમાં નીચે મુજબ છે.

 

 

વ્યક્તિ તરીકે મનુષ્ય ગૌરવ દિને હું શું કરી શકું?

“प्रभु हमारे साथ है, तो क्यों बने हम दीन, हमारा दिन मनुष्य गौरव दिन.

” મનુષ્ય ગૌરવ દિન”આ વળી શું? મનુષ્ય ગૌરવ એટલે શું?

ઈશ્વરે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. તેમાં સૌથી લાડકવાયું સર્જન કોઈને ગણીએ તો તે મનુષ્ય છે. આપણને મળેલી આ ઉત્તમોત્તમ ભેટને, ઈશ્વરના આ ઉપકારને આપણે સમજીએ તો જ મનુષ્ય ગૌરવ દિનને સમજી શકાય. આપણા સૌની સમજ” માનવ એટલે માત્ર બે હાથ,પગ, આંખો,કાન,માથું” આટલી છે.માનવની ઓળખ આટલી જ નથી.આ સિવાય માનવમાં મન અને બુદ્ધિ રહેલાં છે. માનવ એટલે તો વિચારપૂર્વક જીવનાર,ભગવાનનું ઉત્તમ સર્જન છે.”ભાવનાઓની ભીનાશથી ભીંજાયેલો હોય,અસ્મિતાનું અજવાળું જેના અંતરમાં પથરાયેલું હોય તે એટલે માનવ.”

વિશ્વના કણકણમાં સમાયેલો ઈશ આપણા દેહાલયમાં આવીને વસ્યો છે.ઈશ્વર મારી સાથે રહેતો હોય તો હું બિચારો, બાપડો કે લાચાર કેવી રીતે હોઇ શકું? હું ધારું તે કરી શકું.એવી ખુમારી મનુષ્યમાં પ્રગટ થવી જોઈએ, પરંતુ આજના માનવની સ્થિતિ સુકાની વગરની નાવ જેવી થઈ ગઈ છે.આજનો માનવ આમ તેમ અથડાતો,કૂટાતો રહે છે.તેની કિંમત સમાજમાં ઘટતી જાય છે અને સ્વયં તે પોતાને અસહાય માનીને જીવે છે. મોટાભાગનો માનવ સમાજ તણાવ,નિરાશા,અસુરક્ષિતતા,ક્ષુદ્રતા, એકલતા,જેવી વિવિધ ગ્રંથિઓથી પીડાઈ રહ્યો છે.માણસ પોતાનામાં રહેલી ભગવદીય શક્તિને ઓળખ્યા વગર જ પોતાને અસહાય માને છે.વિશ્વની ચાલક શક્તિ પોતાની સાથે છે.તે ભૂલીને ભવરણે ભટકતો રહે છે.

- text

આવા દિશાહીન,ધ્યેય વિનાના આબાલવૃદ્ધ સૌને કૃતિ ભક્તિ તરફ વાળનાર શ્રી પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિન 19 ઓક્ટોબરે સમગ્ર વિશ્વનો માનવ સમુદાય ‘મનુષ્ય ગૌરવ દિન’ તરીકે ઉજવે છે.દાદાજીએ પોતાના જન્મદિવસને સમગ્ર માનવજાતિના ગૌરવ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. શિક્ષિત, અશિક્ષિત, ઉજળિયાત, પછાત સૌ કોઈને દેવી સંબંધથી બાંધીને ગીતાની પાયાની વાત સમજાવી. ઈશ્વર આકાશમાં નથી,પરંતુ માનવ હૃદયમાં રહેલો છે.મનુષ્યને હકારાત્મક દૃષ્ટિકોણ આપી, માનવ સમાજમાં એક દિવ્ય ભ્રાતૃભાવ અને સમાનતા નિર્માણ કર્યા.

‘દાદાજી’એ અનેકાનેક પ્રયોગો અને કૃતિઓ કરી માનવ સમાજના ઉત્થાનનું કાર્ય કર્યું છે અને માનવમાં માનવ્ય ખીલવ્યું છે. એક માનવ તરીકે હું થઈશ,હું બનીશ,હું કરી શકીશ.આવી વિચારધારાને અપનાવી,હૈયામાં હામ લઈ,આત્મપ્રકાશનું તેજ ચહેરા પર ધરીએ એજ માનવની વિશેષતા છે. ૭૦ વર્ષે પણ આ વૃત્તિ ટકાવી શકે તે જ સાચો નરવીર ગણી શકાય.ઝળહળતું જીવન જીવવું જોઈએ. શંકરાચાર્ય,વિવેકાનંદ,દયાનંદ, ભગતસિંહ,,,,આમના આયુષ્ય ટૂંકા હતા,પરંતુ તેમના ઝળહળતાં કાર્યોની અહાલેક આજે પણ પ્રેરણા આપે છે.

વૈશ્વિક કાર્ય કરી જનાર મહામાનવ પૂજ્ય દાદાજીને મનુષ્ય ગૌરવની કોટી કોટી શુભકામના સાથે આપણે પણ આપણા જીવનમાં રહેલી લઘુતાગ્રંથિ ગુરુતાગ્રંથીને છોડી દઈએ.આવનારા સમયમાં દ્રઢ સંકલ્પવાન બનીએ,જીવનભર ચાલતાં નહીં,પણ દોડતાં થઈએ. દેશ અને સમાજની ઉન્નતિ માટે કંઇક કરી છૂટીએ અને પ્રભુને ગમતા થઈએ.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text