મોરબી શહેરમાં રવિવારે સાંજે ધોધમાર 2 ઇંચ વરસાદ નોંધાયો

- text


રવિવારે વહેલી સવારના એક ઇંચ સાથે છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો : ટંકારામાં 8 મીમી નોંધાયો

મોરબી : વરસાદની આગાહીની વચ્ચે મોરબીમાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ અંગે સરકારી કચેરીના રેકર્ડ મુજબ મોરબી શહેરમાં સાંજે 4થી 6 વાગ્યાની વચ્ચે ધોધમાર 45 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

મોરબીમાં રવિવારે વહેલી સવારે પણ વરસાદની આગાહીના વચ્ચે વરસાદ પડ્યો હતો. જેમાં મોરબી નગર પાલિકા કચેરી ખાતે મુકાયેલા વરસાદ માપક યંત્રમાં વહેલી સવારમાં 24 mm એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં પડેલા ભારે વરસાદ દરમિયાન 45 mm એટલે કે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. રવિવારે સાંજે 2 ઇંચ જેટલા ધોધમાર વરસાદથી મોરબી શહેરમાં ચારેયકોર પાણી પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રાબેતામુજબ પાણી ભરાયા હતા અને મોરબીના મુખ્ય રાજ માર્ગ શનાળા રોડ સહિતના રસ્તો પણ નદીઓના વહેણ બનતા લોકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોરબી પાલિકા કચેરીમાં સવારે એક અને સાંજે બે ઇંચ સહિત છેલ્લા 25 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

જ્યારે મોરબી જિલ્લા કન્ટ્રોલ રૂમમાં રવિવાર સાંજે પડેલા વરસાદમાં મોરબી તાલુકામાં 29 mm અને ટંકારામાં 8 mm વરસાદ નોંધાયો છે. આ કમૌસમી ભારે વરસાદના પગલે સૌથી વધુ નુકશાની ખેડૂતોને થઈ છે. કારણ કે ખેતરોમાં પડેલા તૈયાર કપાસ અને મગફળી સહિતના પાક પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

જયારે મોરબીના રંગપરમા જુના ગામમાં રામજી મંદિર પર વીજળી પડી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ. જોકે આ ઘટના મંદિરમાં કોઈ મોટી નુકસાની થઈ નથી.

- text

જયારે ટંકારા તાલુકાના ગામડાઓમાં પણ કમૌસમી ભારે વરસાદના પડ્યાના સમાચાર મળી રહ્યા છે.ટંકારાના પ્રતિનિધિ જયેશ ભટ્ટસાણાના જણાવ્યા મુજબ નાના-મોટા ખિજડીયા, રામપર, નશિતપર, ધુનડા, વાધગઢ, ગજડી, ઉમીયા નગર, કલ્યાણપર, જોધપર ઝાલા, જબલપુર, લખધીરગઢ, વિરપર, લજાઈ, સજ્જનપર, હડમતીયા સહિતના ગામડામા માવઠું જોરદાર વરસી પડતા ખેતરોમાં મગફળી ના પાથરા રીતસર ના પાણીમા તરતા દ્રશ્યમાન થયા હતા અને ખેડુતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો.

- text