મોરબી, માળિયા,હળવદમાં તોફાની વરસાદ : વીજળી પડતા એકનું મોત, અનેક જગ્યાએ નાના-મોટી નુકસાની

- text


 

મોરબી શહેરી વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

મોરબી : મોરબી, માળિયા અને હળવદ પંથકમાં આજે સાંજના સુમારે તોફાની વરસાદ નોંધાયો છે. જેમાં માળિયાના એક ગામમાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ સાથે અનેક જગ્યાએ નાના-મોટી નુકસાની થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મોરબી જિલ્લામાં આજે બપોરબાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ગયો હતો.કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. જે દરમિયાન મોરબીમાં અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા.આ વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં પણ નુકસાન થયું હોવાની શક્યતા છે.

સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પણ નુકસાન થયું હોય તેવા અહેવાલો મળી રહ્યા છે. બીજી તરફ હળવદ અને માળિયા પંથકમાં પણ સાંજે વરસાદ તૂટી પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. માળિયાના મંદીરકી ગામે વીજળી પડતા સવિતાબેન હરિભાઈ અંગેચણીયા નામના એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું ટીડીઓએ જણાવ્યું છે.

- text

વધુમાં ટંકારા ટાઉનમાં વરસાદ નોંધાયો નથી. પરંતુ લજાઈ, રામપર, નશીતપર,રાજપર સહિતના ગામોમાં વરસાદ હોવાનાં વાવડ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આજના આ વરસાદથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. આ વરસાદ ખેડૂતોને પડયા પર પાટા સમાન સાબિત થનાર છે.

- text