ત્રણ વર્ષમાં મોરબીએ સરકારને 18.40 અબજ જીએસટી ચૂકવ્યો છતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામે મીંડું

જીએસટી ચૂકવવામાં સિરામિક ઉદ્યોગ મોખરે, ઘડિયાળ બીજા નંબરે અને પેપરમિલ ત્રીજા ક્રમે

રોડ રસ્તાની અસુવિધાથી કંટાળી જાગૃત નાગરિકે આરટીઆઇ હેઠળ જીએસટી વિભાગ પાસેથી વિગતો મંગાતા, અકલ્પનિય આંકડા સામે આવ્યા

મોરબી : સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહેલ મોરબીનો સિરામિક, ઘડિયાળ અને પેપર ઉદ્યોગ સરકારને વર્ષે અબજો રૂપિયા જીએસટી ચૂકવી રહ્યો હોવા છતાં કેન્દ્ર રાજ્ય સરકાર આ ઉદ્યોગો માટે આંતરિક રોડ રસ્તા, પાણી, ગટર અને હાઇવે સાથેની કનેક્ટિવિટી જેવી પાયાની સવલતો પુરી પાડવામાં ઉણી ઉતરી હોવાની હકીકત માહિતી અધિકારના કાયદા હેઠળ બહાર આવી છે, મોરબીના વિરપરના જાગૃત નાગરિકે મોરબીના સિરામિક, ઘડિયાળ અને પેપરમિલ ઉધોગે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલો સીજીએસટી ચૂકવ્યો તે અંગેની માહિતી માંગતા અધધ…. કહી શકાય તેવા આંકડા બહાર આવ્યા છે અને ત્રણેય ઉધોગે મળી ત્રણ વર્ષમાં રૂ.૧૮.૪૦ અબજ ટેક્સરૂપે સરકારને ચૂકવ્યા હોવાનું સતાવાર રીતે બહાર આવ્યું છે.

મોરબીના સિરામિક, ઘડિયાળ અને પેપરમિલ ઉધોગે સરકારની કોઈપણ મદદ વગર દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ ભારતનું નામ રોશન કર્યું છે પરંતુ સામે પક્ષે સરકારને વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપવા છતાં રોડ, રસ્તા જેવી પાયાની સુવિધા આપવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નિવડતા મોરબીના વિરપર ગામના જાગૃત નાગરિકે સરકારની પોલમપોલ છતી કરવા આરટીઆઇ એકટનો ઉપયોગ કરી ચોંકાવનારી હકીકત સામે લાવ્યા છે.

વિરપર ગામના જાગૃત નાગરિક પરાગ મૂંદડીયાએ જીએસટી અમલી બન્યા બાદ મોરબીના સિરામિક, ઘડિયાળ અને પેપરમિલ ઉધોગે ત્રણ વર્ષમાં કેટલો ટેક્સ સીજીએસટી રૂપે જમા કરાવ્યો છે તેની વિગતો માંગતા વર્ષ ૨૦૧૭ થી લઈ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આ ત્રણેય ઉદ્યોગ દ્વારા રૂપિયા ૧૮ અબજ ૪૦ કરોડથી વધુ માત્ર સીજીએસટી ચૂકવ્યો હોવાના અધધ કહી શકાય તેવી ચોંકાવનારી ટેક્સ ચુકવણી એકલા મોરબીએ કરી હોવાનું સતાવાર રીતે બહાર આવ્યું છે.

ત્રણ વર્ષમા મોરબીના ઉદ્યોગોએ સીજીએસટી ચુકવણીના આંકડા જોઈએ તો વર્ષ ૨૦૧૭-૧૮માં સિરામિક ઉધોગે રૂ.૫૭૧૦૮૨૬૪૭૯, ઘડિયાળ ઉધોગે ૧૧૬૭૦૪૫૦૨ અને પેપરમિલ ઉદ્યોગે રૂ.૩૫૨૩૦૩૫૦ ટેક્સ ચૂકવ્યો હતો.

એ જ રીતે વર્ષ ૨૦૧૮-૧૯ ના આંકડા જોઈએ તો કપરા સંજોગોમાં પણ સિરામિક ઉધોગે રૂ.૫૨૩૯૮૨૯૭૨૩ ઘડિયાળ ઉધોગે ૧૪૧૦૪૦૪૧૩ અને પેપરમિલ ઉદ્યોગે ૨૫૦૦૬૭૫૨ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે.

વર્ષ ૨૦૧૯- ૨૦માં ચોતરફ મંદીના માહોલ વચ્ચે પણ મોરબીના આ ત્રણેય ઉદ્યોગો ટેક્સ ચુકવણીમાં અડીખમ રહ્યા હતા અને સિરામિક ઉધોગે રૂ., ઘડિયાળ ઉધોગે વિક્રમી કહી શકાય તેવો ૬૯૬૯૨૧૫૩૧૭, ઘડિયાળ ઉદ્યોગે રૂ. ૧૩૩૩૯૧૧૧૯ અને પેપરમિલ ઉદ્યોગે રૂ.૩૩૦૩૨૯૨૩ ટેક્સ ચૂકવ્યો હોવાનું અને આ ત્રણે વર્ષ દરમિયાન ત્રણે ઉદ્યોગોએ મળી કુલ રૂપિયા ૧૮ અબજ ૪૦ કરોડ ૪૨ લાખ ૭૭ હજાર ૫૭૮ પુરા ટેક્સરૂપે સીજીએસટી વિભાગને ચૂકવ્યા હોવાનું સતાવાર આંકડા પરથી સ્પષ્ટ બન્યું છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ અને એથી પણ વધુ સીજીએસટી ચૂકવવા છતાં મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગો માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉણી ઉતરી છે. મોરબી શહેર ઉપરાંત આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થાનિક તંત્ર રોડ રસ્તા, પાણી, ગટર, કામદાર આરોગ્ય જેવી અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પણ આપી શક્યું નથી.

ખાટલે મોટી ખોટ એ છે કે કમનસીબ મોરબીનો બિઝનેશ વિદેશ સાથે ખૂબ મોટાપાયે હોવા છતાં અહીં દેશને જોડતી રેલવે સેવા, રેલવે કન્ટેનર યાર્ડ કે એરપોર્ટ જેવી સુવિધા અપાવવામાં પણ નેતાગીરી નબળી પુરવાર થઇ છે ઉપરાંત સ્થાનિક સાંસદ સભ્ય પણ મોરબીને મળ્યા ન હોવાથી કેન્દ્ર સુધી મોરબીનો આવાજ બુલંદ રીતે પહોંચી શકતો નથી.

આ સંજોગોમાં હવે મોરબી વિરપરના પરાગ મૂંદડીયા જેવા જાગૃત નાગરિકો આરટીઆઇ એકટનો ઉપયોગ કરી મોરબીની અને મોરબીના ઉદ્યોગોની પાયાની સવલતો માટે જનજાગૃતિ લાવવા કામગીરી હાથ ધરતા સરકારના બહેરા કાને મોરબીનો અવાજ પહોચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate