વેસેલ ભાડામાં 30થી 40 ટકા વધારો થતાં મોરબીના ટાઇલ્સ એક્સપોર્ટર મૂંઝવણમાં

- text


લોકલ ટ્રાન્સપોર્ટ ભાડામાં પણ ૧૫ ટકાનો વધારો લટકામાં

તૂટેલા ધોરી માર્ગોને કારણે ટાઇલ્સ ડેમેજ થતી હોવાથી એક્સપોર્ટમાં રીઝેક્શનનો મોટો ભય

મોરબી : પ્રવર્તમાન સમયમાં મોરબી સિરામિક ટાઇલ્સનો કારોબાર દેશના સીમાડા ઓળંગી વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે પરંતુ લોકલ ટ્રાન્સપોર્ટેશન અને વેસેલ ભાડામાં થયેલા જબરા ભાવ વધારાને કારણે હાલમાં એક્સપોર્ટરો મૂંઝવણમાં મુકાયા છે, જો કે વિદેશના સારા ઓર્ડરને કારણે હાલ ઓછા નફે બિઝનેશ કરી એક્સપોર્ટર સરકારને વિદેશી હૂંડિયામણ કમાવી રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સિરામિક ઉદ્યોગની નિકાસને લગતી સમસ્યા પ્રત્યે ધ્યાન આપવામાં ન આવતા હાલમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાથી ઘેરાયો છે, મોરબી સિરામિક ક્લસ્ટરમાં આંતરિક માર્ગો ઉબળ – ખાબડ બની ગયા હોવાથી ટાઇલ્સ તૂટવાની મોટી સમસ્યા છે, એ જ રીતે કંડલા બંદર કે અન્ય બંદરગાહ સુધી જવાના ધોરી માર્ગોની પણ આવી જ દશા છે સાથો સાથ લોકલ ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારો થતાં ટાઇલ્સ ઉત્પાદકો અને એક્સપોર્ટર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

મોરબીના એક્સપોર્ટર ઉપેનભાઈ કહે છે કે, છેલ્લા દિવસોમાં લોકલ ટ્રાન્સપોર્ટ ભાડામાં ૧૦થી ૧૫ ટકાનો ભાડા વધારો થયો છે એ જ રીતે વિદેશમાં ટાઇલ્સ પહોંચાડવા માટેના વેસેલ ભાડા એટલે કે સમુદ્રી જહાજના ભાડામાં ૩૦થી ૪૦ ટકા વધારો થતાં મોરબીની સિરામિક પ્રોડક્ટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં વધારો થવા પામ્યો છે જે હાલના હરીફાઈના સમયમાં સિરામિક ઉદ્યોગને પાલવે તેમ નથી. એ જ રીતે તૂટેલા ધોરી માર્ગોને કારણે નિકાસ થતી ટાઇલ્સ ડેમેજ થવાની પણ મોટી સમસ્યા છે.

- text

વધુમાં ઉપેનભાઈ જણાવે છે કે કોરોના મહામારી બાદ ચાઇનથી ઈમ્પોર્ટ ઘટતા કન્ટેનરની પણ વ્યાપક અછત જોવા મળી રહી છે, અગાઉ ચીનથી વિવિધ વસ્તુઓની આયાત બાદ ખાલી કન્ટેનરો આસાનીથી મળી રહેતા પરંતુ હવે ખાલી કન્ટેનર માટે ૧૫ કે ૨૦ દિવસ સુધી રાહ જોવી પડે છે અને કન્ટેનર ભાડામાં પણ વધારો ચૂકવવો પડી રહ્યો છે.

સિરામિક એક્સપોર્ટમાં સૌથી મોટી સમસ્યા હાલમાં તૂટેલા રોડ રસ્તાઓની છે, કારણ કે ટાઈલ્સ ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ રિજેક્શનનો મોટો ભય એક્સપોર્ટરને સતાવી રહ્યો છે વિદેશમાં ક્ષતિગ્રસ્ત, તૂટેલી ટાઇલ્સ જવાથી જે તે એક્સપોર્ટર્સની ઇમેજ ખરાબ થવાની સાથે મોરબી અને સમગ્ર દેશની ઇમેજ ખરડાવાનો પ્રશ્ન ઉભો થયો છે.

આવા સંજોગોમાં વર્ષે કરોડો રૂપિયા કમાઈ આપતા સિરામિક હબ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર આંતર માળખાકીય રોડ રસ્તાઓને નવ સાધ્ય કરવાની સાથે સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેને સત્વરે મરામત કરાવે તો વિદેશમાં વ્યાપાર કરી સિરામિક ઉદ્યોગ હજુ પણ વધુ મજબૂતાઈ ભર્યું પ્રદર્શન કરી શકે તેમ હોવાનું એક્સપોર્ટર્સ જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text