2500 કરોડથી વધુના રોકાણ સાથે આવે છે નવી 30થી 40 સીરામીક કંપની

ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો : રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં થશે વધારો

પ્રત્યેક કંપની રૂપિયા ૫૦થી ૧૦૦ કરોડના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ સાથે કરશે પ્રોડકશન

મોરબી : કોરોના બાદ સિરામિક ટાઇલ્સ સેગમેન્ટમાં ચાઇનાના અર્થતંત્રને કમરતોડ ફટકો ફટકો પડયો છે તો બીજી તરફ વૈશ્વિક નંબર વન સિરામિક હબ બનવા તરફ જેટ ગતિએ આગળ વધી રહેલા મોરબી સિરામિક ક્લસ્ટર માટે કોરોના વાયરસે સોનાનો સૂરજ ઉગાડ્યો છે અને તેથી જ ટૂંક સમયમાં મોરબી નજીક એક, બે નહિ પરંતુ ૩૦થી ૪૦ નવા આધુનિક પ્લાન્ટ્સ સ્થપાઈ રહ્યા છે અને હાલ પુરજોશમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

મોરબી સિરામિક ક્લસ્ટરમાં હાલના સમયમાં ૭૦૦થી વધુ જુદી – જુદી કંપનીઓ ગ્લેઝડ, જીવીટી, પીજીવીટી, સ્લેબ ટાઇલ્સ અને અન્ય સેનેટરીવેર્સ પ્રોડક્ટ બનાવી રહી છે અને દેશ – વિદેશમાં ટાઇલ્સ, સેનેટરીવેર પ્રોડક્ટના વેચાણ થકી વાર્ષિક ૪૫ હજાર કરોડના ટર્નઓવર સાથેના બિઝનેશ થકી કેન્દ્ર અને રાજ્ય સરકારને કરોડો રૂપિયા હૂંડિયામણ કમાવી આપે છે.

ખાસ કરીને છે બેથી ત્રણ વર્ષ દરમિયાન મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે નોટબંધી અને જીએસટી બાદ તો લિકવિડીટી પ્રોબ્લેમ્સને કારણે ફક્ત ૨૫ ટકા જેટલા ઉદ્યોગો જ પોતાની ક્ષમતા મુજબ પ્રોડકશન યુનિટ ચાલુ રાખી સિરામિક હબ મોરબીનું અસ્તિત્વ જાળવી રાખ્યું હતું, બીજી તરફ કોરોના મહામારી આવતા જ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોનું પલાયન શરૂ થતાં સિરામિક ક્લસ્ટરમાં રીતસરનો હડકંપ મચી ગયો હતો.

પરંતુ આફતને અવસરમાં પલટાવી દેવાની તાસીર ધરાવતા મોરબીના ઉદ્યોગપતિઓએ હાર્યા થાક્યા વગર પ્રયાસો જારી રાખતા કોરોના મહામારી મોરબીના સિરામિક ક્લસ્ટર માટે રીતસર સોનાનો સૂરજ ઉગાડી લાવી છે અને હાલમાં મોરબી અને મોરબી આજુબાજુના વિસ્તારમાં આવેલા ૯૫ ટકા સિરામિક ઉદ્યોગ હાલમાં દિવસ – રાત ધમધમી રહ્યા છે.

સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ચાઈનિઝ પ્રોડક્ટના વૈશ્વિક બહિષ્કાર બાદ મોરબીની જીવીટી, પીજીવીટી અને સ્લેબ ટાઇલ્સની ઇન્ટરનેશનલ માર્કેટમાં જબરી ડિમાન્ડ નીકળી છે અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ ભરપૂર ડિમાન્ડ હોવાથી પ્રોડકશનમાં પહોંચી શકે તેમ ન હોવાનું જણાવી રહ્યા છે.

મોરબી સિરામિક ક્લસ્ટર માટે સૌથી મહત્વની બાબત તો એ છે કે અત્યાર સુધી ચાઈનાએ વિશ્વનું ૭૦ ટકા માર્કેટ હસ્તગત કર્યું હતું જેની સામે પ્રવર્તમાન સમયમાં હવે મોરબીની કંપનીઓએ સિરામિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ભારતનો ઝંડો ગાળી દીધો છે.

સિરામિક ઉદ્યોગમાં આગઝરતી તેઝી અને ભારે વૈશ્વિક ડિમાન્ડ જોતા મોરબી સિરામિક ક્લસ્ટરમાં નવા ૩૦ થી ૪૦ યુનિટ સ્થપાવા જઈ રહ્યા છે અને પ્રત્યેક યુનિટ ૫૦ થી ૧૦૦ કરોડના મૂડી રોકાણ સાથે ઇન્ટરનેશનલ માપદંડ મુજબ આધુનિક પ્લાન્ટ શરૂ કરવા તમામ તૈયારી પૂર્ણ કરી લેતા આવનાર દિવસોમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ રોજગારી આપવામાં અને ટર્ન ઓવરમાં અને વિદેશી હૂંડિયામણ કમાવી આપવામાં નંબરવન બનશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate