સરકારની આ એપ્લિકેશન દ્વારા મેળવી શકાય છે ઘેરબેઠા તબીબી સારવાર..જાણો વધુ વિગત

- text


ઇ-સંજીવની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સવારે 09 થી રાત્રે 09 વાગ્યા દરમ્યાન નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને નિઃશુલ્ક દવા મેળવવા માટે આ એપ. ઉપયોગી

મોરબી : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત 24 સપ્ટેમ્બરથી ઇ-સંજીવની નામની એક મોબાઈલ એપ. લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના કોઈપણ રાજ્યનો મોબાઈલ ધારક આ એપ.ના ઉપયોગ દ્વારા જનરલ કે સ્પેશિયાલિસ્ટ ડોકટર સાથે વિડીઓ કોલિંગના માધ્યમથી નિઃશુલ્ક નિદાન કરાવીને દવા લખાવી શકે છે અને આ ઓનલાઈન જનરેટ થયેલા પ્રિસ્ક્રિપશન મુજબ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી શકે છે. જો કે, આ યોજનાની એપ.નો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાની જરૂર છે. કેમ કે, મોટાભાગના લોકોને હજુ આ સુવિધા વિશે પૂરતી જાણકારી મળી શકી નથી. ત્યારે આવો જાણીએ કે આ નિઃશુલ્ક નિદાન યોજનાનો ઉપયોગ આપ કઈ રીતે કરી શકો છો?

કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી અને રાજ્ય સરકારો દ્વારા સ્વીકારાયેલી આ યોજનામાં કોઈપણ એન્ડ્રોઇડ ફોનધારક પ્લેસ્ટોરમાંથી ઇ-સંજીવની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. આ એપ યુઝર ફ્રેન્ડલી છે. એટલે કે મોબાઈલની સાધારણ જાણકારી ધરાવતી કોઈ પણ વ્યક્તિ સરળ રીતે એપ. ડાઉનલોડ કરી શકે છે. એપ. ડાઉનલોડ કર્યા બાદ એ એપ્લિકેશન મારફત સ્ટેપબાય સ્ટેપ સૂચના પ્રમાણે અનુસરણ કરતા વ્યક્તિ ઘેરબેઠા નિષ્ણાંત તબીબની સલાહ ઘેરબેઠા મેળવીને ડોકટરે લખી આપેલી દવા સરકારી હોસ્પિટલોમાંથી નિઃશુલ્ક મેળવી શકે છે અથવા ખાનગી મેડિકલ સ્ટોર કે જેનરેનીક મેડિકલ સ્ટોરમાંથી ખરીદી પણ શકે છે.

જેમ કે, એપ. ડાઉનલોડ કર્યા બાદ વ્યક્તિને જે પ્રકારની બીમારીનું નિદાન કરાવવું હોય તેના માટે બે ઓપ્શન આપવામાં આવેલા છે. એક ઓપ્શનમાં જનરલ બીમારીઓ જેવી કે, તાવ, શરદી, ખાંસી, ઝાડા થઈ જવા, કળતર જેવી બીમારીઓ માટે જનરલ ઓપ્શન સિલેક્ટ કરવો. બીજી કેટેગરીમાં સ્પેશિયાલિસ્ટ ડોકટર જેમ કે, મગજની બીમારી, હાર્ટ પ્રોબ્લેમ, હાડકા, આંખ, કાન, નાક, ગળાની બીમારી, લીવરને લગતી બીમારી માટે સ્પેશિયાલિસ્ટ કેટેગરી સિલેક્ટ કરવી. આ સિલેક્શન બાદ રાજ્યના કોઈપણ ક્ષેત્રમાંથી જે-તે બીમારીના ડોકટર વિડીઓ કોલિંગના માધ્યમથી દર્દી સાથે વાત કરશે. જે રીતે રૂબરૂ જવાથી ડોકટર જે સવાલ પૂછે છે એવા પ્રકારના ડોકટરના સવાલો અને દર્દીના જવાબોને આધારે ડોકટર બીમારીનું નિદાન કરશે કે સલાહ સૂચનો પણ આપશે. ત્યારબાદ ડોકટર દ્વારા દર્દીને જરૂર જણાશે તો દવા ઓનલાઈન જ લખી આપવામાં આવશે. જે તે વ્યક્તિની મોબાઈલ એપ્લિકેશનમાં જ એ દવા લખાઈ જશે. એ મોબાઈલ લઈને દર્દી કોઈપણ સરકારી હોસ્પિટલમાં જશે કે દર્દીના પરિજનો જશે ત્યારે હોસ્પિટલમાંથી એ દવા નિઃશુલ્ક મેળવી શકશે. અમુક ખાસ બીમારીઓ માટેની દવા મેડિકલ સ્ટોરમાંથી ખરીદવાનું પણ લખી શકે છે.

- text

 

આ એપ્લિકેશનની સુવિધા અંગે મોરબી સિવિલ હોસ્પિટલના ડોકટર દુધરેજીયા સાથેની વાતચીતમાં આ સંદર્ભે મોરબી અપડેટે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મોટે ભાગે બહારથી ખરીદવાની થતી દવા જેનરીક મેડિકલ સ્ટોરમાંથી મળી જાય એ પ્રકારની છે. જો કે, કોઈ ખાસ બીમારી અંગેની દવા કંપનીની પણ હોઈ શકે છે. આ એપ.માં એ દવાઓ પ્રિસક્રાઇબ કરવા અંગેનું લિસ્ટ પણ ડૉકટરો માટે આપેલું હોય છે. જેમાંથી ડોકટર દવા લખી આપે છે. મોરબી શહેરની સિવિલ હોસ્પિટલમાં હાલ કુલ 3 ડૉકટરોના નામ આ એપ.માં સામેલ કરાયા છે.

જે પૈકીના એક ડોકટર દુધરેજીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા સંપૂર્ણ ઓનલાઈન નિદાન આધારિત છે. આ સેવાનો લાભ મેળવવા માટે પ્રાથમિક તબક્કે દર્દીને હોસ્પિટલમાં લઈ આવવાની જરૂર રહેતી નથી. એપ્લિકેશનમાં દવા પ્રિસ્ક્રાઇબ થઈ ગયા બાદ કોઈ પણ સરકારી હોસ્પિટલમાં મોબાઈલ સાથે લઈને જવાથી તેમાં મેસેજ જોઈને નિઃશુક દવા આપવામાં આવે છે. એપ.લોન્ચ થયા સમયે આ યોજનાનો લાભ લેવા માટેનો સમય સવારે 10થી સાંજે 05 વાગ્યાનો હતો. જે હવે વધારીને સવારે 09થી રાત્રે 09 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. હાલ કોરોના મહામારીના સમયમાં લોકો સામાન્ય બીમારીના દવા-નિદાન માટે જ્યારે હોસ્પિટલે જતા ગભરાય છે ત્યારે આ એપ. દ્વારા ઘેર બેઠા નિદાનની સુવિધા અત્યંત લાભદાયી હોવાનું જણાવી ડૉ. દુધરેજીયાએ અંતમાં ઉમેર્યું હતું કે લોકો બહોળા પ્રમાણમાં આ એપ. ડાઉનલોડ કરે અને અન્યોને પણ આ યોજના વિશે માહિતી પૂરી પાડે.

અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ થયેલી આ એપ્લિકેશન બાબતે મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફને પૂરતી જાણકારીના અભાવે દવાબારી પર એપ. મારફતે મેળવેલ પ્રિસ્કીપશનના આધારે દવા લેવા જતા દર્દીઓના પરિજનોને દવા આપવાનો ઇનકાર થતો હતો. કેમ કે ખુદ સ્ટાફને પણ આવી કોઈ એપ્લિકેશન મારફત લખાયેલી દવા આપવાની થાય છે એ બાબતની જાણકારી ન હતી. આ બાબતે મોરબી અપડેટને અમુક દર્દીઓના પરિજનો દ્વારા જાણ થતાં સિવિલમાં આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.

ઈ-સંજીવની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text