20% ઉછાળા સાથે ટાઇલ્સ એક્સપોર્ટમાં આગઝરતી તેજી

નોટબંધી, જીએસટી બાદ ઠપ્પ થયેલ સિરામિક ઉદ્યોગ માટે કોરોના મહામારીએ તેજીનું વાવાઝોડું ફુક્યું : આ વર્ષે 15 હજાર કરોડના ટર્નઓવરની આશા

મોરબી : વૈશ્વિક મહામારી કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીના ભણકારા વાગી રહ્યા છે પરંતુ આ કોરોનાકાળે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સોનાના સૂરજ ઉગાડ્યો છે, અનલોક – ૧ બાદ મોરબીના સિરામિક ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રિય ડિમાન્ડમાં ૨૦ ટકા જેટલો ઉછાળો આવતા આ વર્ષે એક્સપોર્ટ ટર્નઓવર ૧૫ હજાર કરોડને આંબી જવાની શક્યતા છે.

નોટબંધી અને જીએસટી બાદ મોરબીના સિરામિક ઉદ્યોગની રીતસર કેડ ભાંગી ગઈ હતી અને ખાસ કરીને જીએસટી બાદ તો લિકવિડીટી ક્રાઇસીસને કારણે માત્ર ૨૦ ટકા યુનિટ જ નામ પૂરતું પ્રોડકશન અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા હતા, એમાં પણ ગલ્ફકન્ટ્રીમાં એન્ટી ડંપિંગ ડ્યુટી લાદવામાં આવતા મોરબીના સિરામિક ઉદ્યોગના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા.

દરમિયાન કોરોના મહામારી ફેલાવવા માટે સમગ્ર વિશ્વએ ચીનને જવાબદાર ઠેરવતા તેની સીધી જ સારી અસર ભારતમાં દેખાવાની શરૂઆત થઈ છે અને લાંબા સમયથી ઠપ્પ મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોરોના કાળમાં જાણે પ્રાણ પુરાયો હોય તેમ કેન્દ્ર રાજ્ય સરકારના અનલોક બાદ સિરામિક ઉદ્યોગ પણ એક જ ઝાટકે અનલોક થઈ જવા પામ્યો છે.

મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, સિરામિક ટાઇલ્સના વૈશ્વિક વ્યાપારમાં ૭૦ ટકા હિસ્સો ચીન પાસે હતો અને ભારત પાસે માત્ર ૩૦ ટકા હિસ્સો જ હતો પરંતુ કોરોના મહામારી બાદ છેલ્લા ત્રણેક માસથી મોટાભાગના યુરોપિયન દેશનો કારોબાર ભારત એટલે કે મોરબી પાસે આવી ગયો છે અને ગતવર્ષના ૧૧ હજાર કરોડના એક્સપોર્ટ સામે આ વર્ષે ૧૫ હજાર કરોડનું ટર્નઓવર રહેવાની શકયતા વ્યક્ત કરી હતી.

વધુમાં નિલેશભાઈએ ઉમેર્યું હતું કે, ખાસ કરીને મોરબીની સ્લેબ અને જીવીટી ટાઇલ્સની હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ ડિમાન્ડ છે અને યુરોપ તેમજ અમેરિકન દેશોની ડિમાન્ડ જોતા આગામી સમયમાં મોરબી સિરામિક પ્રોડકટના એક્સપોર્ટમાં ૨૦ ટકા ઉછાળો આવે તેવું મનાઈ રહ્યું છે.

નિલેશભાઈએ અંતમાં જણાવ્યું હતું કે, મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ગેસ બિલમાં સરકારે આપેલી રાહત પણ આશીર્વાદરૂપ બની છે અને મંદીમાં ગરક થયેલ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં હાલ કોરનારૂપી આફત અવસર બનીને આવતા ૯૫ ટકા યુનિટ ધમધમતા થઇ જતા ઉદ્યોગકારો પણ હાશકારો અનુભવી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate