હળવદના ચાર જીવદયા પ્રેમીઓનું બજાણા ખાતે વન વિભાગ દ્વારા સન્માન કરાયું

- text


હળવદ : હળવદના સ્નેક રેસ્કુયર એમ. ડી. મહેતા, ગૌ-સેવક ભાવેશભાઈ ઠક્કર, પક્ષી પ્રેમી ઉષાબેન જનકભાઈ ચૌહાણ અને સેવાભાવી યુવાન અને જીવદયા પ્રેમી તપનભાઈ દવેનું વન વિભાગના ઉચ્ચ અધિકારી સુચેન્દ્રાભાઈના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.

પ્રકૃતિનું જતન કરવું તે માનવ માત્રની પ્રાથમિક જવાબદારી છે ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે જે પ્રકૃતિ પ્રેમીઓ અને વન્ય પ્રાણીઓની સેવા કરી રહ્યા છે, તેવા હળવદના ચાર સેવાભાવીઓનું આજ રોજ પાટડી તાલુકાના બજાણા મધ્યે આવેલ વન સંકુલ ખાતે વન વિભાગ ઉચ્ચ અધિકારીઓના વરદ હસ્તે સન્માન પત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ ચાર સેવાભાવીઓની વિગતે વાત કરીએ તો હળવદમાં વર્ષોથી સ્નેક રેસ્ક્યુ માટે કાર્ય કરી રહ્યા છે તેવા મુકુંદભાઈ મહેતા (એમ. ડી. મહેતા) કે જેમણે અત્યાર સુધીમાં રાત દિવસ જોયા વગર ની:સ્વાર્થ ભાવે ૫૦૦ જેટલા સર્પનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે અને એમાં પણ અતિ ઝેરી એવા ૪૦૦ જેટલા કોબ્રા સર્પનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલ છે.

એ જ રીતે ઘુડખર નિલ ગાય અને અન્ય વન્ય જીવો જ્યારે ઘાયલ થાય ત્યારે ખડેપગે રહી અને અબોલ જીવોની સતત સેવા કરતા ભાવેશભાઈ ઠક્કર (બજરંગદળ)નું પણ આજ રોજ સન્માન કરવામાં આવ્યું હતું અને હળવદની આસપાસ પક્ષીઓ જ્યારે ઘાયલ થાય ત્યારે તેમની નિઃસ્વાર્થ ભાવે પોતાના જીવથી વિશેષ સંભાળ લઈને છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરી રહ્યા છે તેવા ઉષાબેન જનકભાઈ ચૌહાણનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને હળવદના સેવાભાવી યુવાન જીવદયા પ્રેમી તપનભાઈ દવેનું પણ સન્માન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારી સુચેન્દ્રાભાઈ (Conservator of Forests, CF), DCF અસોડાભાઈ, ACF દવેભાઈ, હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પરમારભાઈ, વનપાલ કે. એમ. પરમાર, એ. આઈ. પઠાણ, વનરક્ષક વિષ્ણુભાઈ રબારી, સી. કે ચોસલા હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text