હળવદના દુષ્કર્મ અને વીડિયો વાયરલ કરવાના પ્રકરણમાં બેની ધરપકડ

- text


વીડિયો ઉતારનાર શખ્સ ત્યાંથી નીકળતો હોય અને વીડિયો ઉતાર્યો હોવાનું પ્રાથમિક તારણ : હજુ ઝીણવટભરી તપાસ ચલાવાશે : આરોપીઓ સામે દાખલારૂપ કામગીરી થશે : એસપી

મોરબી : હળવદના દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાના પ્રકરણમાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ વીડિયો 25 દિવસ પૂર્વેનો હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં આ ઘટના હાઇવે ઉપર પોલીસની છાવણી પાસે જ ઘટી હોય જે અંગે એસપીએ જણાવ્યું કે તે છાવણી જર્જરિત હાલતમાં હતી જેનો ઉપયોગ માત્ર લોકડાઉન પૂરતો જ કરવામાં આવ્યો હતો. વધુમાં એસપીએ કહ્યું કે આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.

હળવદના હાઇવે ઉપર મોરબી ચોકડી ઉપર પોલીસ ટ્રાફિક પોઇન્ટ માટે બનાવેલી જૂની પડતર છાવાણીમાં એક શખ્સ દ્વારા માનસિક અસ્થિર મહિલા સાથે તેના પુત્રની હાજરીમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ નોંધાયો છે. આ દ્રશ્યોનો બીજા એક શખ્સએ વીડિયો બનાવી તેને વાયરલ પણ કર્યો હતો. આ ઘટનાના જિલ્લાભરમાં ઘેરા પડઘા પડયા હતા. જિલ્લા પોલીસ વડાએ પણ આ ઘટના સંદર્ભે કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા હોય પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે આજે જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી કેસની વિગતો જાહેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ બનાવના દુષ્કર્મ ગુજારનાર મહેન્દ્રભાઈ ગંગારામ રાઠોડ અને વીડિયો ઉતારનાર હરેશ જાદવની ધરપકડ કરવામાં આવી છે. બન્ને વચ્ચે કોઈ સંબંધ હોય તેવું જણાતું નથી. પ્રાથમિક તપાસમાં હરેશ જાદવ ત્યાંથી પસાર થતો હોય અને વીડિયો ઉતાર્યો હોવાનું જણાય આવે છે.

- text

આ વીડિયો 25 દિવસ પૂર્વેનો છે. જે ગતરોજ સાંજના મીડિયામાં અહેવાલો બાદ પોલીસના ધ્યાનમાં આવતા ત્વરિત એક્શન લેવામાં આવ્યા છે. મુખ્ય આરોપી મહેન્દ્ર ગંગારામ રાઠોડ હળવદનો જ વતની છે. જે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. જ્યારે ભોગ બનનાર મહિલાના ભાઈ પાસેથી પોલીસે તમામ વિગતો મેળવી છે. જેમાંથી માલુમ પડ્યું છે. ભોગ બનનાર મહિલા માનસિક રીતે અસ્થિર છે. જે અનેકવાર ઘરેથી ચાલી જતી હતી અને જ્યાં તેને જમવાનું મળે ત્યાં જ આરામ કરી લેતી હતી. આરોપીએ ખાવાનું આપવાની લાલચે તેનો ફાયદો ઉઠાવ્યો હતો.

વધુમાં એસપીએ જણાવ્યું કે ઘટના જે પોલીસના પોઇન્ટ પાસે બની છે. તે પોઇન્ટ ઘણા સમયથી એમનમ હાલતમાં હતો. તેનો ઉપયોગ માત્ર લોકડાઉન પૂરતો જ કરવામાં આવ્યો હતો.અને તે જર્જરિત હાલતમાં હતી. ત્યાં કોઈને ફરજ પણ સોંપવામાં આવી નથી. અંતમાં એસપીએ જણાવ્યું કે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવશે. આ બનાવની ઝીણવટભરી તપાસ કરી તમામ વિગતો એકત્ર કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

- text