સરકારી શાળાના શિક્ષકો છે કે જેમ્સ બોન્ડ? સરકારે હવે શિક્ષકોને મગફળી રજિસ્ટ્રેશનની કામગીરીમાં જોતર્યા

- text


મોરબી : કોઈ પણ કામગીરી અટકે એટલે રાજય સરકાર અને વહીવટી તંત્ર સરકારી શાળાના શિક્ષકો પાસે દોડી જાય છે. તેવી બૂમરાળો ઉઠી છે. હાલ સરકાર અને વહીવટી તંત્ર હવે મગફળી ખરીદી માટે ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરીમાં શિક્ષકોને જોડી રહી છે. હાલ શાળાઓ બંધ છે શિક્ષકો હવે વર્ચુયલ માધ્યમથી અવિરત વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે છતાં અન્ય અનેક પ્રકારની કામગીરી શિક્ષકો પર તંત્ર થોપી રહ્યું હોય ભારે નારાજગી જોવા મળી રહી છે.

કોરોના મહામારીના કારણે શાળા બંધ છે પણ શિક્ષણ તો અવિરત ચાલુ જ છે, શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ, માઈક્રોસોફ્ટ ટીમસના માધ્યમથી પિરિયડ લેવા,દુરદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓ જે શીખી રહ્યા છે એનું ફોલો અપ લેવા જી.સી.આર.ટી.ગાંધીનગરથી દરરોજ આવતું હોમ લર્નિંગ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું,ચેક કરવું,ઉપચારાત્મક કાર્ય કરાવવું, દરરોજ દરેક વિદ્યાર્થીઓનો ટેલિફોનિક સમ્પર્ક કરી એમના શિક્ષણ કાર્યની નોંધ લેવી, વાલીઓને ભલામણ કરવી,દર મહિને આવતી ચાર ચાર એકમ કસોટીઓ બાળકો સુધી પહોંચાડવી,પરત લઈ તપાસવી, દરેક બાળકોની તમામ વિષયની એકમ કસોટી ચેક કરી,દરેકના પોતાના મોબાઈલમાં ફોટા પાડી સ્કેનિંગ કરી સરલ ડેટા એપ્લિકેશનમાં ઓનલાઈન ફોટા અપલોડ કરવા,ઘરે શીખીએ બુક સી.આર.સી.કક્ષાએથી લઈ વિદ્યાર્થીઓને ઘરે ઘરે પહોંચાડવી લખેલી બુક પરત મેળવી તપાસવી અને અધ્યયન નિષ્પતી પ્રમાણે બાળકોએ મેળવેલ સિદ્ધિ ઓનલાઈન કરવી,આવી અનેકવિધ શૈક્ષણિક કામગીરીની સાથે સાથે શિક્ષકોને સતત પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરેલ દીક્ષા એપમાં અનેકવિધ જેવી કે નિષ્ઠા તાલીમ સતત અઢાર દિવસ સુધી અઢાર મોડ્યુલ પૂર્ણ કરવા,ગણિત, વિજ્ઞાન વિષયની તાલીમ,ભાષાની તાલીમ,સામાજિક વિજ્ઞાનની દરેક શિક્ષકોની વિષય તાલીમ કોવિડ-19 ની તાલીમ,ફિટ ઇન્ડિયા માટેની ટ્રેનિંગ,ગુણોત્સવ ટ્રેનિંગ,હોમ લર્નિંગ માટેની ટ્રેર્નીગ, હેન્ડ વોસ ટ્રેનિંગ,પ્રજ્ઞા તાલીમ, નવી શિક્ષણનીતિ કોંફરન્સ બાયસેગ પર નિહાળવી,બાળકો પાસે વિવિધ પ્રકારની સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા,ફોટોગ્રાફી સ્પર્ધા, આટ આટલી કામગીરી શિક્ષકો કરતા હોવા છતાં તંત્રને એમ છે કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો સાવ નવરા છે.

- text

એટલે કોવિડ -19 ની અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર કામગીરી શિક્ષકોને સોંપે છે જેમકે વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરવું,ફૂડ સિકીયુરિટી ગ્રાન્ટ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવી,ઘરે ઘરે ફરી રેપીડ સર્વે કરવો બી.પી.એલ. જનધન ખાતાઓમાં રૂપિયા 1000 જમા કરવા માટે શિક્ષકોને ઘરે ઘરે ફરી 600 – 700 ઘરો માત્ર અઠવાડિયામાં ફરીને આધારકાર્ડ, બેંક ખાતા નંબર, રેશનકાર્ડ વગેરે લઈને મામલતદાર કચેરીએ પહોંચાડવા, સસ્તા અનાજની દુકાને અનાજ વિતરણ કરાવવું,દરરોજ 100 100 ઘર ફરીને ઘરના દરેક વ્યક્તિના પુરા નામ લખવા,ઉંમર લખવી, ઓક્સિજન લેવલ,ટેમ્પરેચર માપવું,ડાયાબિટીસ,બી.પી.ની બીમારીની વિગત,ઉંમર,સમ્પર્ક નંબર વગેરે માહિતીનું રજીસ્ટર બનાવી દરરોજ જે તે ઘરની મુલાકાત લઈ,દરરોજ સુપરવાઈઝરને પત્રકનું રિપોર્ટિંગ કરવું વગેરે કામગીરીથી શિક્ષકો ત્રસ્ત,હેરાન,પરેશાન થઈ ગયા છે દરરોજ ઘરોની મુલાકાત લેવાથી લોકો પણ વ્યવસ્થિત જવાબ નથી દેતા,અપમાનિત કરે છે, અધૂરામાં પૂરું બાકી રહી જતું હતું હવે ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરીમાં પણ શિક્ષકોને જોતરવામાં આવ્યા, આવી બધી અઢળક કામગીરીથી મુક્તિ આપવા ઈચ્છી રહ્યા છે.ભૂતકાળમાં પણ તીડ ઉડાડવા,ખુલ્લા શૌચ જતા રોકવા સહિતની કામગીરી સોંપી ચર્ચાની ચગડોળે ચૂકેલ સરકાર શિક્ષકોને શુ જેમ્સ બોન્ડ સમજે છે કે સુપર મેન કે તમામ કામગીરી શિક્ષકોને સોંપી એટલે થઈ જાય.શિક્ષકો પણ અનુશાસનના નિયમ તળે દબાઈ વીરોધ ન કરતા સરકારને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે.

 

- text