જીએસટી વિભાગને સોંપાયેલી કોરોનાની કામગીરીથી વેપારીઓ પરેશાન : સીરામીક એસોસિએશન

જીએસટી વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ કોરોના સર્વેની કામગીરીમાં રોકાયેલા હોય જીએસટી વિભાગની કામગીરી ખોરવાઇ

મોરબી : કોરોના સંબંધી કામગીરીમાં જીએસટી વિભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવતા જીએસટી વિભાગમાં રીફંડ સહિતની વિવિધ કામગીરી ઉપર અસર પડતાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા જિલ્લા કલેકટરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે સરકારી તંત્રના ઘણાબધા વિભાગોના કર્મચારીઓને કોરોના સંબંધી કામગીરીમાં ફરજ સોંપવામાં આવી છે. ત્યારે મોરબી શહેરમાં જીએસટી કચેરીના વર્ગ-૩ના તમામ કર્મચારીઓને પાછલા એક માસથી કોરોના સર્વેની કામગીરીમાં જોતરવામાં આવ્યા હોવાથી જીએસટી કચેરી ખાતે ઘણી બધી કામગીરી અટકી પડી છે. મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે, જીએસટી કચેરીના વર્ગ-૩ના તમામ સ્ટાફને કોરોના સંબંધી કામગીરી સોંપવાના બદલે 50% કર્મચારીઓને એ કામગીરી સોંપવામાં આવે અથવા વર્ગ-૩ના કર્મચારીઓને રોટેશન મુજબ કામગીરી સોંપવામાં આવે.

મોરબી સિરામિક એસોશિયેશને જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, જીએસટીના રિફંડ માટે, રજિસ્ટ્રેશન માટે, આકરણી કરવા સહિતની કામગીરી માટે વેપારીઓને હાલ સ્ટાફના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ બાબતે ધ્યાને લઇ સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate