મોરબી-માળિયા વિધાનસભા પેટાચૂંટણી : પક્ષપલ્ટો કરનાર બ્રિજેશ મેરજાની પ્રતિષ્ઠા દાવ ઉપર

- text


સૌરાષ્ટ્રની હાઈપ્રોફાઈલ ગણાતી મોરબી બેઠક ઉપર બાજી કોન મારશે તેના પર સૌની મીટ

ભાજપ તરફથી બ્રિજેશ મેરજાની ઉમેદવારી ફાઇનલ : કોંગ્રેસમાંથી જયંતિભાઈ જેરાજભાઈ અને કિશોર ચીખલીયાનું નામ આગળ

એક સમયે ભાજપનો ગઢ રહેલા મોરબીમાં પાટીદાર અનામત ફેક્ટરે ભાજપના સુપડા સાફ કરી નાખ્યા, હવે કોંગ્રેસ આવશે કે ભાજપ તે અંગે ભારે સસ્પેન્સ


મોરબી : ખાલી પડેલી મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણી સૌરાષ્ટ્રની હાઈપ્રોફાઈલ ચૂંટણી છે. જેમાં કોણ બાજી મારશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડરાયેલી છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાની ભાજપ તરફથી ઉમેદવારી ફાઇનલ હોય તેઓની પ્રતિષ્ઠા આ ચૂંટણીમાં દાવ ઉપર લાગી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. કારણકે હવે તેઓને પોતાની રાજકીય કારકિર્દીને આગળ ધપાવવા માટે જીતવું જરૂરી બન્યું છે.

મોરબી- માળીયા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જયંતીભાઈ જેરાજભાઈ અને કિશોર ચીખલીયાનું નામ આગળ છે. જયંતિભાઈ જેરાજભાઈ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. અને તેઓ વર્ષો જુના કોંગ્રેસી આગેવાન છે. તેઓ એકદમ ભરોસાપાત્ર હોય તેઓની દાવેદારી પ્રબળ છે. કિશોર ચીખલીયાએ એક સમયે પક્ષ વિરુદ્ધ ગયા હોય હાઇકમાન્ડ તેઓને ટીકીટ આવે તેવી શકયતા ઓછી જણાઈ છે. સામે જયંતિ જેરાજ ચૂંટણી લડવાનો અનુભવ પણ ધરાવે છે. તેઓ અગાઉ ત્રણેક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. જો કે દર વખતે તેઓનો પરાજય થયો હોય પણ પક્ષ માટે તેઓ વિશ્વાસપાત્ર ઉમેદવાર હોય તેઓ હાઇકમાન્ડની પહેલી પસંદ બને તેવુ અંદરખાને ચર્ચાઈ રહ્યું છે.

મોરબી બેઠક એક સમયે ભાજપનો ગઢ હતું. પરંતુ પાટીદાર અનામત ફેક્ટર ભાજપને નડી જતા છેલ્લી તમામ ચૂંટણીઓમાં ભાજપના સુપડાસાફ થઈ ગયા હતા. જેને પગલે હાલની તકે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. વિધાનસભા બેઠક ઉપર પણ કોંગ્રેસનું જ સાશન હતું. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું ધરી દેતા આ બેઠક ખાલી થઈ છે.

ખાલી પડેલી વિધાનસભાની બેઠકમાં પેટાચૂંટણી યોજાયા બાદ જે પરિણામ આવશે તેની અસર હવે પછીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ દેખાશે તે નક્કી છે. માટે ભાજપ મોરબીને ફરી પોતાનો ગઢ બનાવવા તેમજ કોંગ્રેસ પોતાનું શાસન જાળવી રાખવા માટે આ ચૂંટણી ઉપર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને જીતેલા બ્રિજેશ મેરજા આ ચૂંટણી ભાજપમાંથી લડી રહ્યા છે. જો તેઓ હારશે તો તેની અસર તેઓની રાજકિય કારકિર્દી ઉપર થશે જેથી તેઓ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાભરી જંગ છે.

- text

સ્થાનિક- ઔદ્યોગિક પ્રશ્નો, પક્ષ પલ્ટો, રાજ્યમાં રહેલી સરકાર સહિતના મુદ્દાઓ ચૂંટણીને અસર કરશે

મોરબી બેઠકમાં આવતી મોરબી અને માળિયા પાલિકા કોંગ્રેસ શાસીત છે. બન્ને જગ્યાએ રોડ રસ્તાના અને સફાઈના મુખ્ય પ્રશ્ન છે. આ સાથે પણ નાના- મોટા અનેક સ્થાનિક પ્રશ્નો છે. આ ઉપરાંત ઔદ્યોગિક પ્રશ્નો પણ ઢગલાબંધ છે. આ મુદ્દાઓ ચૂંટણીને અસર કરવાના છે. આ સાથે બ્રિજેશ મેરજાનો પક્ષપલ્ટો અનેક મતદારોને પસંદ પડ્યો નથી. જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ બાબત પણ પરિણામ ઉપર અસર પાડી શકે છે. બીજી તરફ મતદારોનો એક વર્ગ એવી વિચારસરણી પણ ધરાવે છે કે રાજ્યમાં જે સરકાર છે સ્થાનિક કક્ષાએ પણ એ જ પક્ષનો ધારાસભ્ય હોય તો કામ સરળતાથી અને મતભેદો વગર થઈ શકે. આમ આટલા મુદા મુખ્યત્વે ચૂંટણીને અસરકર્તા જણાઈ રહ્યા છે.

ગત ચૂંટણી રસાકસીભરી રહી’તી : કોંગ્રેસ તરફથી લડતા મેરજા પાતળી લીડથી જીત્યા હતા

વર્ષ 2017માં મોરબી- માળિયા વિધાનસભા બેઠકની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજા અને ભાજપ તરફથી કાંતિલાલ અમૃતિયા હતા. આ ચૂંટણીનો જંગ ભારે રસાકસીભર્યો હતો. કારણકે મેરજાને 89396 મત અને કાંતિલાલને 85977 મત મળ્યા હતાં. આમ મેરજા 3414 મતની પાતળી લીડથી વિજય બન્યા હતા. જો કે આ ચૂંટણીમાં પાટીદાર અનામત ફેક્ટર કામ કરી ગયું હોય છતાં કોંગ્રેસના ઉમેદવાર મેરજાને મોટી લીડ મળી શકી ન હતી. જ્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને લોકપ્રિય નેતા ગણાતા ભાજપના કાંતિલાલ અમૃતિયાનો મિજાજ પણ ચૂંટણી પરિણામો પર અસર પાડી શકે છે. જોકે બ્રિજેશ મેરજા રાજીનામુ આપી ભાજપમાં આવતા કાંતિલાલના સમર્થકોમાં અંદરખાને નારાજગી છે. જોકે હાલ કાંતિલાલ ભાજપ પક્ષ સાથે જ હોવાનું અનેક વાર જણાવી ચુક્યા છે. ત્યારે મોરબીની પેટા ચૂંટણી ઘણી બાબતમાં ઐતિહાસિક બની રહે તેમાં બે મત નથી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text