કોરોનાના પગલે પેટા ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 સુધી કરાયો

- text


ઉમેદવારો, કાર્યકર્તાઓ, ચૂંટણી કર્મચારીઓ અને મતદારો માટે કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સ હેઠળ યોજાશે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી

મોરબી : દેશમાં કોઈપણ રાજ્યમાં વિધાનસભાની કે લોકસભાની અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર થતા જ આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જાય છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું અમલીકરણ કરાવવામાં આવે છે. જેના ભંગ બદલ જે-તે ઉમેદવાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું પ્રાવધાન પણ છે. જો કે, હાલ લાગુ થયેલી આદર્શ ચૂંટણી આચાર સંહિતામાં કોવિડ-૧૯ મહામારીને લઈને કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સને પણ ઉમેરવામાં આવી છે.

હાલ પ્રવર્તી રહેલ કોરોના મહામારી વચ્ચે બિહાર વિધાનસભા તેમજ ગુજરાત અને એમપીમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ફોર્મ ભરવાથી લઈને મતદાન સુધી કોવિડ-૧૯ અંતર્ગત લાગુ થયેલી ગાઈડલાઇન્સનું પણ ચુસ્ત પાલન કરવા ચૂંટણીપંચે ફરજિયાત બનાવ્યું છે. જે મુજબ, ઉમેદવારો ઓનલાઇન ઉમેદવારી પત્રો ભરી શકશે. ઉમેદવારો સિક્યુરિટી ડિપોઝિટ પણ ઓનલાઇન જમા કરાવી શકશે. કન્ટેનમેન્ટઝોનની ગાઇડલાઇન્સ પ્રમાણે ચૂંટણી પ્રચાર કરી શકાશે. જો કે ડોર ટુ ડોર પ્રચારમાં ફક્ત પાંચ જ વ્યક્તિને પરવાનગી આપવામાં આવી છે.

મતદાન માટેની કોરોના અંતર્ગત ગાઈડલાઇન્સ મુજબ ભીડ એકઠી ન થાય એ માટે મતદાનનો સમય એક કલાક વધારીને સવારના 7થી સાંજે 6 વાગ્યા સુધીમાં કરાયો છે. એક મતદાન મથકમાં મહત્તમ 1000 મતદારો જ રહેશે. મતદારોએ 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. મતદાન મથક ખાતે સાબુ, પાણી અને હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ રહેશે. કોરોના સંક્રમિત થયેલા હોય તેવા મતદારો મતદાનના છેલ્લા એક કલાકમાં પોતાનો મત આપી શકશે. દરેક જિલ્લામાં કોરોના ગાઈડલાઇન્સના પાલન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. જરૂરી હશે ત્યાં વિનંતીના આધારે પોસ્ટલ બેલેટની સુવિધા પણ અપાશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text