ખાનગી સ્કૂલોમાં માત્ર 25% ફી માફી આપવાનો નિર્ણય : સરકારની સત્તાવાર જાહેરાત

આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે

મોરબી : છેલ્લા ત્રણેક મહિનાથી સ્કૂલોની ફી માફી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો આજે અંત આવ્યો છે. ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠકમાં ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર 25% ફી માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે. જે વાલીઓ માટે રાહતના સમાચાર છે.

હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે ફી ઘટાડા મુદ્દે પોતાની રીતે નિર્ણય લેવા પ્રક્રિયા શરુ કરતા આ મામલે 24 સપ્ટેમ્બરે ખાનગી સ્કૂલ સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં 25 ટકા ફી માફી આપવા અંગે સ્કૂલ સંચાલકો સંમત થયા હતા. ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મોટાભાગની સ્કૂલોના સંચાલક મુખ્યમંત્રીના નિર્ણય સાથે સંમત થયા હતા.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફી માફી અંગેની જાહેરાત દરમિયાન એ પણ જણાવ્યું છે કે 25 ટકા ફીની વાત પર સહમતી સધાયા બાદ એક પણ શાળાએ પગારના નામે કોઈ શિક્ષકને છુટા કરવાના નથી. સાથે જ શિક્ષકોને પૂરો પગાર આપવાનો છે તેમજ જે વાલીઓએ પહેલાથી જ 100 ટકા ફી ભરી હશે તેમને 25 ટકાની રાહત સાથે તેમની ફી સરભર કરાશે. ઉલ્લેખનીય છે કે 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થયાના 24 કલાકમાં જ ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. જોકે ગુજરાત વાલી મંડળે 25 ટકા ફી માફીમાં હજુ વધારો કરવાની લાગણી વ્યક્ત કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate