લ્યો બોલો.. વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દવા મફત પણ પીવાનું પાણી બહારથી વેચાતું લેવાનું!

- text


સિવિલ હોસ્પિટલમાં ફ્રીજ બંધ તેમજ વૈકલ્પિક સુવિધાના અભાવે દર્દીઓને પીવાના પાણીની સુવિધા બંધ, પરંતુ સ્ટાફ માટે સુવિધા ઉપલબ્ધ

વાંકાનેર : સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ અને તેના પરિવારજનોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે સરકારે સિવિલ હોસ્પિટલમાં દરેક માળ ઉપર ફ્રીજની વ્યવસ્થા કરવામાં આવે છે. પણ છેલ્લા ઘણા સમયથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવેલા કેટલાક ફ્રીજ બંધ હોવાના કારણે લોકોને પીવાનું પાણી મળતું નથી. આ બાબતની જાણ સ્થાનિક અધિકારીઓને હોવા છતાં પણ આ બંધ થયેલા ફ્રિજ રીપેરીંગ કરાવીને ચાલુ કરાવવામાં આવતા નથી. તેમજ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેના માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ અને તેના સગા-વ્હાલાઓને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં પાણી પીવું હોય તો બહારથી વેચાતી પાણીની બોટલ મંગાવી પડે છે. મળેલી માહિતી મુજબ સ્ટાફ માટે પીવાના પાણીની વ્યવસ્થા છે. પણ દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા નથી. ત્યારે સવાલ એ થાય કે આ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ બંધ પડેલા ફ્રિજ શા માટે રીપેર નથી કરાવતા?

- text

વાંકાનેરનું તંત્ર અન્ય બાબતોમાં પણ બેદરકાર

વાંકાનેર જાણે ઘણીધોરી વગરનો તાલુકો બની ગયો છે. આધાર કાર્ડ, આવકના દાખલા, જાતિનું પ્રમાણપત્ર વિગેરે કામકાજ માટે લોકો મોટી મોટી લાઇન લગાવી રહ્યા છે, ધરમના ધકકા ખાઇ રહયા છે. ત્યારે કોરોના જેવી આ મહામારીમાં પણ હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડુ છે. જવાબદાર અધિકારીઓ આંખ મિચામણા કરીને છટકબારી શોધી રહ્યા છે. નેતાઓ પોતાની મસ્તીમાં મગ્ન છે ત્યારે જનતાને માથે હાથ દઇને રોવા સિવાય કોઈ વિકલ્પ નથી. વાંકાનેરના પ્રાંત અધિકારી સિવિલ હોસ્પિટલમાં જાત તપાસ કરીને લોકોના હિત માટે કમ સે કમ પીવાના પાણીનું પરબ ન બંધાવે તો કંઈ નહીં પણ સરકારે આપેલી સુવિધા પુનઃ ચાલુ કરાવે તેવી લોકમાંગણી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text