મોરબીના ચકચારી ટ્રિપલ મર્ડર કેસના આરોપીની જામીન અરજી મંજૂર

- text


મોરબી : વર્ષ 2018માં મોરબી પંથકમાં બે પક્ષકારો વચ્ચેના ખેતી જમીન વિવાદમાં ત્રણ શખ્સોના મર્ડર થયા હતા. મોરબી સેશન્સ કોર્ટે આ કેસના આરોપીના જામીન મંજૂર કર્યા છે.

ગત તા. 13/08/2018ના રોજ વસીમ મહેબુબભાઈ પઠાણ (રહે. મકરાણીવાસ, રામઘાટ પાસે, મોરબી)એ મોરબી પોલીસ સ્ટેશનમાં ભરત ડાભી, જયંતી નારણભાઈ, અશ્વિન જીવરાજભાઈ, ભરત જીવરાજભાઈ, ધનજીભાઈ મનસુખભાઈ, શીવાભાઈ રામજીભાઈ, મનસુખભાઈ રામજીભાઈ, જીવરાજભાઈ રામજીભાઈ, કિશોરભાઈ શીવાભાઈ ડાભી, સંજય નારણભાઈ ડાભી (તમામ રહે. વજેપર વાડી વિસ્તાર) સામે ફરીયાદ નોંધાવેલ હતી.

આ કેસના આરોપીઓ પૈકી મનસુખભાઈ રામજીભાઈ ડાભી એ મોરબી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરેલ હતી. જેમાં અરજદાર તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભાવેશ આર. બાંભવા તથા મોરબીના યુવા ધારાશાસ્ત્રી રવિ કારીયાની લંબાણપૂર્વકની દલીલ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ધ્યાને લઈ સેશન્સ કોર્ટએ અરજદાર મનસુખભાઈ રામજીભાઈ ડાભી (સતવારા)ને જામીન આપવા માટે યોગ્ય ગણેલ છે. જેથી, અરજદારને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો આદેશ કરવામાં આવેલ છે.

- text

આ કેસની વિગત જોઈએ તો તા. 12/08/2018ના રોજ રાત્રે 11-30 વાગ્યે ફરિયાદીના કાકા દિલાવર ખાનના મોબાઈલમાં ફોન આવેલ અને તેના કાકાએ ફરીયાદીને જણાવેલ કે, ‘તું જલદી આવ, મારી ઉપર શીવાભાઈ રામભાઈ તેના ભાઈઓ, અને તેના છોકરાઓએ હુમલો કરેલ છે.’ જેથી, ફરીયાદી તેનું મોટરસાઈકલ લઈ તેના કાકાની વાડી કે જે વજેપરની સીમમાં આવેલ છે, ત્યાં પહોંચેલ અને જોયેલ કે તેના કાકા દિલાવર ખાન, તેના પુત્ર અફજલ તથા મોમીનને આરોપીઓ લાકડી, ધોકા, ટોમી, કુહાડી, છરી, તલવાર જેવા જીવલેણ હથીયારો આડેધડ મારતા હતા. ત્યારે ફરીયાદીને જોઈ અમુક હથીયારો છોડી, અમુક હથીયાર સાથે લઈ જઈ મોટરસાઈકલમાં ભાગી ગયેલ હતા. ભોગ બનનારને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જતા ત્રણેય ભોગ બનનાર મરણ ગયાનું જાહેર કરવામાં આવેલ હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text