ફ્રોડ કરતી પાર્ટીઓ પાસેથી વસૂલી કરવા સીરામીક ઉદ્યોગકારોનો નવતર પ્રયોગ

- text


સીરામીક ઉદ્યોગકારોએ વોટ્સએપ ગ્રુપ બનાવી ફ્રોડ પાર્ટીઓ પાસેથી શરૂ કરી ઉઘરાણીની વસૂલી
કઈ કઈ પાર્ટી નાણાં ચુકવવામાં ગલ્લા-તલ્લા કરે છે એ સહુ જાણી શકે છે 
આબરૂ જવાની બીકે સીરામીક પ્રોડક્ટ ખરીદાર ચૂકવે છે ફટાફટ રૂપિયા

મોરબી : ગુજરાતીમાં એક ખૂબ જ પ્રખ્યાત ઉક્તિ છે કે, “ઝાઝા હાથ રળિયામણા”. એ જ રીતે હિન્દી ભાષામાં પણ એક ઉક્તિ પ્રસિદ્ધ છે કે, એક લકડી કો તો કોઈ ભી તોડ શકતા હે, લેકિન લકડી કે ભારે કો તોડના મુશ્કિલ હી નહીં; નામુંકીન હે. આવો જ સુનિયોજિત ઘાટ અત્યારે મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા ઘડવામાં આવ્યો છે.

શરૂઆતમાં શાખ બાંધીને દેશના વિવિધ રાજ્યોમાંથી અમુક હોલસેલર સીરામીક ટ્રેડર્સો મોરબીથી ગાડીઓ ભરી ભરીને માલની ખરીદી કરે છે. ત્યારબાદ અમુક વેપારીઓ સીરામીક યુનિટીના પૈસા ધીમે ધીમે બાકી રાખવાનું શરૂ કરી અંતે હાથ ઊંચા કરી દેતા હોય મોરબીના સીરામીક કારખાનેદારોની લાખો- કરોડો રૂપિયાની ઉઘરાણી ફસાઈ જતી હોવાના સેંકડો બનાવો બનતા હોય છે. કોર્ટ કચેરીના ચક્કરમાં પડવાનું મોટેભાગે કારખાનેદારો ટાળતા હોવાથી આવા લેભાગુ વેપારીઓને વધુ ફાવી જાય છે.

પાછલા 5 માસ પૂર્વે લાગુ થયેલા લોકડાઉન અને ત્યાર બાદ અનલોકના ગાળા દરમ્યાન મોરબી સીરામીક ઉધોગે કરોડો રૂપિયાનું ટર્નઓવર ગુમાવ્યું છે. મંદી અને બાંધકામ ઉધોગમાં નિરુત્સાહી વાતાવરણને લઈને આમ પણ સીરામીક ઉધોગ એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ફસાયેલી ઉઘરાણી વસૂલવા એલવી ગ્રાનિટોના આશિષભાઈ દ્વારા નવો વિચાર રજૂ કરી એને મૂર્તિમંત કરવામાં આવ્યો. જે મુજબ દરેક ફેકટરીમાં પેમેન્ટ કલેક્શનનો કાર્યભાર સંભાળતા લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે.

- text

આ ગ્રુપમાં દરરોજ 3 અલગ અલગ એવી ફેકટરીઓનું લિસ્ટ શેર કરવામાં આવે છે જેની સાથે જે તે પાર્ટીએ ચિટિંગ કર્યું હોય. આ લિસ્ટ ગ્રુપમાં આવ્યા બાદ ગ્રુપના તમામ મેમ્બરો એવી ચીટર પાર્ટીને મેસેજ કરે છે. જેમાં જણાવવામાં આવ્યું હોય છે કે “તમે ચિટર છો, તમારે ભવિષ્યમાં મોરબીમાં કામ નથી કરવું કે શું?” આવા એક સાથે 250 મેસેજ જે તે એક જ દિવસમાં પાર્ટીને મળતા શરમ-ક્ષૌભના માર્યા કે પછી આબરૂ જવાના ભયે કે પછી ભવિષ્યમાં મોરબી ખાતે વ્યાપાર નહીં કરી શકીએ એવી ધાસ્તીને લઈને જે તે વેપારી સીરામીક યુનિટ સાથે સમાધાન માટે સામેથી સંપર્ક કરે છે. મોટેભાગે તો અટકેલું પેમેન્ટ એક સાથે અથવા PDC (પોસ્ટ ડેટેડ ચેક) દ્વારા ચૂકવી આપે છે. આમ જે કામ માટે કાનૂની માર્ગ અપનાવવો પડે એમ હોય એ કામ ખુબ સરળતાથી સંપન્ન થઈ જાય છે.

આ નવતર અભિગમની આગવી બાબત એ છે કે અન્ય રાજ્યોના હોલસેલરોમાં મોરબી સીરામીક યુનિટોની પાવરફુલ યુનિટીનો મેસેજ જવાથી ભવિષ્યમાં ફ્રોડ થવાની શક્યતાઓ નહિવત થઈ જશે એવો આશાવાદ હાલ સેવવામાં આવી રહ્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text