મોરબીમાં આખલાઓના દંગલની સમસ્યા રોજિંદી બની, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

- text


મોરબીમાં રઝળતા ઢોર ત્રાસે આડો આંક વાળ્યો, ચાર દિવસ પહેલાં જાહેર માર્ગ પર ખુટિયાઓએ ઘમાસાણ મચાવી વૃદ્ધને ઢીકે ચડાવ્યા

મોરબી : મોરબીમાં તંત્રના પાપે લાંબા સમયથી રઝળતા ઢોરની સમસ્યાએ આડો આંક વાળી દીધો છે. રઝળતા ઢોર ટ્રાફિકને બાનમાં લેવાની સાથે ભારે દંગલ મચાવે છે. જાહેર માર્ગો ઉપર ગમે ત્યારે આખલા યુદ્ધ સર્જાઈ તેવી સ્ફોટક સ્થિતિ છે. અવારનવાર આખલા યુદ્ધ સર્જાઈ છે અને ખુટિયાઓ અનેક લોકોને ઢીકે ચડાવે છે. ઘણી વખત આખલાની ઢીકથી માનવ જિંદગી છીનવાઈ હોવાના બનાવ બનતા હોવા છતાં તંત્ર તાબોટા પડવામાંથી ઉંચુ આવતું નથી.

મોરબી શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અડીગો જોવા મળે છે. મુખ્ય માર્ગો અને તમામ વિસ્તારો તથા શેરીએ ગલીએ રખડતા ઢોરનો આંતક છે. જાહેર માર્ગ પર અડિંગો જમાવતા રખડતા ઢોર ટ્રાફિકને ભારે અડચણરૂપ રહે છે. રોડની વચ્ચોવચ બેસતા ખુટિયાઓ ક્યારે આપસમાં લડી ઝઘડી પડે એ નક્કી જ હોતું નથી. માર્ગો ઉપર આખલા યુદ્ધના રોજિંદા બનાવો બને છે. જેથી, રાહદારીઓ અને વાહનચાલકોને ત્યાંથી નીકળવું ભારે જોખમભર્યું રહે છે.

- text

મોરબીનો એકપણ વિસ્તાર એવો બચ્યો નથી કે જ્યાં રખડતા ઢોર ન હોય. મોટાભાગના વિસ્તારોને ખુટિયાઓ બનામાં લીધા હોય તેમ અવારનવાર જાહેર વિસ્તારને યુદ્ધભૂમિમાં ફેરવી દઈને સામસામા શિંગડા ભરાવીને કલાકો સુધી દંગલ મચાવે છે. થોડા દિવસો પહેલા શનાળા રોડ આવેલ ન્યુ હાઇસિગ બોર્ડ વિસ્તારમાં ખુટિયાઓએ આવી રીતે દંગલ મચવ્યું હતું. જેમાં એક વૃદ્ધ ખુટિયાની ઢીકે ચડી જતા તેમને હાથમાં ફેક્ચર થયું છે. આવી રીતે અનેક લોકોના હાથ પગ ખુટિયાએ ભાગી નાખ્યા છે. તો કેટલાક સ્વર્ગે સિધાવી ગયા છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

શહેરમાં ખુટિયાઓના આંતકથી લોકોમાં ભારે ભયનો માહોલ છે. તેમ છતાં તંત્ર હજુ સુધી રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કાર્યવાહી ન કરતા સામાજિક કાર્યકરોમાં ધગધગતો આક્રોશ જોવા મળે છે. સામાજિક કાર્યકરોએ રખડતા ઢોરના ત્રાસ અંગે પાલિકા તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો છે અને આ મુદ્દે તંત્ર કોઈ નક્કર કાર્યવાહી ન કરે તો અંગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text