ગુજરાતભરમાં સૌ પ્રથમ ‘હરતી-ફરતી ડિજિટલ શાળા’ તૈયાર કરનાર શિક્ષક વિશે જાણો…

- text


ખરા અર્થમાં શિક્ષણને સમર્પિત શિક્ષક વિશે શૈલેષ સગપરીયાનો પ્રેરણાદાયી લેખ

ભુજના માંડવી તાલુકાની હુંદરાઈબાગ સીમ વિસ્તાર શાળામાં દીપકભાઈ મોતા નામના એક પ્રાથમિક શિક્ષક ફરજ બજાવે છે. કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને જ ઓનલાઇન અભ્યાસ કરે છે પરંતુ દીપકભાઈ જ્યાં ફરજ બજાવે છે એ સીમ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એના વાલીઓના કેટલાક એવા પ્રશ્નો હતા જેથી ઓનલાઇન શિક્ષણનું જેવું પરિણામ મળવું જોઈએ એવું પરિણામ મળતું નહોતું.

દીપકભાઈ જે ગામમાં ફરજ બજાવે છે ત્યાં અંતરિયાળ વિસ્તારમાં ચોમાસાની ઋતુને કારણે વીજળી પણ જતી રહે અને મોબાઈલ નેટવર્ક પણ જોઈએ એવું ન મળે. વાલીઓની આર્થિક સ્થિતિને કારણે બાળકોને સ્માર્ટ ફોન અપાવવો પણ ઘણા કિસ્સાઓમાં શક્ય ન હોય. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી શકાય તે બાબતે દીપકભાઈ ચિંતન કરતા.

5માં ધોરણમાં અભ્યાસ કરતો એક તેજસ્વી વિદ્યાર્થી દરેક કસોટીમાં ખૂબ સારા માર્ક્સ લાવતો પરંતુ ઓનલાઇન શિક્ષણમાં પડતી સ્થાનિક મુશ્કેલીઓને કારણે આ વિદ્યાર્થીના માર્ક્સ ઘટવા લાગ્યા હતા. એક દિવસ દીપકભાઈએ વિચાર આવ્યો કે બાળકો ભલે શાળાએ નથી આવી શકતા પણ શાળા તો બાળકોના ઘરે જઈ શકે ને ? પોતાની અલ્ટો કારમાં જ એણે ડિઝિટલ શાળા બનાવી. કારની પાછળની ડેકીમાં 42 ઇંચનું એક એલઇડી ટીવી ગોઠવ્યું. ટીવીને ચલાવવા માટે ઇનવર્ટર લઈને કારમાં ફિટ કરી દીધું. હરતી-ફરતી ડિઝિટલ શાળા તૈયાર કરી દીધી.

- text

પોતાની અલ્ટો કારને દીપકભાઈએ “શિક્ષણરથ” નામ આપ્યું છે. દીપકભાઈ શિક્ષણરથ લઈને રોજ સીમ વિસ્તારમાં વિદ્યાર્થીઓની ઘરે પહોંચી જાય છે. આજુ બાજુના બે-ચાર વિદ્યાર્થીઓ ભેગા થાય. સામાજિક અંતર જળવાય એ રીતે વિદ્યાર્થીઓને બેસાડે અને પછી પોતાના લેપટોપની એલઇડી ટીવી સાથે કનેક્ટ કરીને વિદ્યાર્થીઓને ડિઝિટલ શિક્ષણ આપે. કોઈ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આવી હરતી-ફરતી ડિઝિટલ શાળા શરૂ કર્યાની ઘટના કેવળ ગુજરાતની નહીં, કદાચ ભારતની પ્રથમ ઘટના હશે. ખાસ વાત તો એ છે કે એક અંતરિયાળ નાના ગામડાની સરકારી શાળાના એક શિક્ષકે આવું ઉમદા કાર્ય કરીને માં સરસ્વતીની સાચી આરાધના કરી છે. હવે વીજળી, નેટવર્ક કે મોબાઈલ કશું જ ન હોય તો પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકતો નથી કારણકે શિક્ષણરથ વિદ્યાર્થીઓના આંગણે આવીને ઉભો રહે છે.

જેને કામ કરવું જ છે એ ફરિયાદો કરવામાં સમય વેડફવાને બદલે કામ કરવાના રસ્તાઓ શોધી લે છે.

– શૈલેષ સગપરિયા


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text