મોરબી સિરામિકને હવે બિસ્માર રોડ રસ્તાનું ગ્રહણ : એક્સપોર્ટમાં ડેમેજ ટાઇલ્સની અઢળક ફરિયાદ મળવાની ભીતિ

- text


 

મુન્દ્રા સુધીનો હાઇવે ખખડધજ બનતા કંડલા સુધી કન્ટેઇનર પહોંચે તે પૂર્વે ટાઇલ્સને ડેમેજ થતું હોવાની રાવ : હાઇવે રીપેર નહિ થાય તો સિરામિક ઉદ્યોગને નુકસાન થવાનું ચાલુ જ રહેશે

હાઇવે ઉપર ટ્રકના અડધા ટાયર સમાઈ જાય એવડા મસમોટા ખાડાથી ટ્રાન્સપોર્ટરો પણ ત્રસ્ત

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગને હવે બિસ્માર હાઇવેનું ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. કારણકે મુન્દ્રા સુધીનો હાઇવે ખરાબ હાલતમાં હોય જે માલ એક્સપોર્ટ થાય છે. તેમાં મોટા પ્રમાણમાં ડેમેજ થતું હોય હવે આવનાર સમયમાં એક્સપોર્ટ થયેલા માલની કમ્પ્લેઇનનો ધોધ વહે તેવી ભીતિ સેવાઇ રહી છે.

મોરબી સિરામિકમાંથી જે માલનું એક્સપોર્ટ થાય છે. તેમાંથી 90 ટકા માલ મુન્દ્રાથી દરિયાઈ માર્ગે વિદેશ મોકલવામાં આવે છે. સિરામિક ઉદ્યોગો મુન્દ્રા સુધી માલના કન્ટેઇનર રોડ માર્ગે મોકલે છે. આ ચોમાસામાં ભારે વરસાદ પડતા મોરબીથી મુન્દ્રા સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે. જેથી કન્ટેઇનરમાં જે માલ જાય છે ડેમેજ થાય છે. ચોમાસા બાદ મોટા પ્રમાણમાં લોટ વિદેશ મોકલવામાં આવ્યો છે. હવે આ માલ ખૂબ ડેમેજ થયો હોવાની ઉદ્યોગકારો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જેથી આવનાર સમયમાં વિદેશી ગ્રાહકો દ્વારા ઉદ્યોગકારો ઉપર ફરિયાદોનો ધોધ વહે તેવી ભીતિ સેવાઇ રહી છે.


જો હાઇવેનું સમારકામ નહીં થાય તો સિરામિક ઉદ્યોગને હજુ પણ નુકસાન થશે : નિલેશ જેતપરિયા

સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ‘મોરબી અપડેટ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોરબીથી મુન્દ્રા સુધીનો હાઇવે ખરાબ હાલતમાં છે. જે માલનું એક્સપોર્ટ કરવાનું હોય છે. તેના કન્ટેઇનર આ હાઇવે ઉપર થઈને જ મુન્દ્રા સુધી પહોંચે છે. હાઈવેની હાલત ખરાબ હોય ટાઇલ્સને ડેમેજ થઈ રહ્યું છે. જેથી હવે ઉદ્યોગકારોને ડેમેજની મોટી ફરિયાદો મળે તેવી સંભાવના છે.

- text


ટ્રાન્સપોર્ટરોને પણ ભારે નુકસાન, ત્રણ જગ્યાએ ટોલ ઉઘરાવાય છે છતાં હાઈવેની હાલત ખરાબ : દીગપાલસિંહ સોઢા

ફોર્ચ્યુન શિપિંગ સર્વિસ પ્રા.લી.ના ડાયરેક્ટર દિગપાલસિંહ સોઢાએ ‘ મોરબી અપડેટ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોરબીથી મુન્દ્રા સુધીનો 185 કિમીનો રોડ બિસ્માર હાલતમાં છે. જેમાં ટ્રકના અડધા ટાયર સમાઈ જાય તેટલા મોટા ખાડાઓ પણ છે. જેના કારણે ટ્રાન્સપોર્ટરોને પણ મોટું નુકસાન થાય છે. દરરોજ ટ્રકના સસ્પેનશન ઉપર જે પટ્ટાઓ હોય છે તે તૂટી જાય છે. આ અંગે ટ્રાન્સપોર્ટરો દ્વારા હાઇવે ઓથોરિટીને રજુઆત પણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા નાના- નાના ખાડાઓ બુરવામાં આવ્યા હતા. પણ કઈ સંતોષકારક કામગીરી થઈ ન હોય રોડ હજુ બિસ્માર હાલતમાં જ છે. ઉપરાંત મોરબીથી મુન્દ્રા સુધીમાં સૂરજબારી, સામખ્યાળી અને મોખા આ ત્રણ ટોલબુથ ઉપર ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. તો સારા રોડની સેવા આપવી તેમની જવાબદારી બનતી નથી?


- text