મોરબીની આરટીઓ કચેરીમાં કૌભાંડ? : અરજદારોને અલગથી રૂ. 3500ની લ્હાણી કરવી પડતી હોવાની ફરિયાદ

 

જો દલાલોને રૂ. 3500ની વધારાની લ્હાણી ન કરવામાં આવે તો લાયસન્સ કઢાવવું લોઢાના ચણા ચાવવા જેવું : જાગૃત નાગરિકે અંદરખાને ચાલતા ષડ્યંત્રની જાહેર કરી વિગતો

અરજદારને નાપાસ કરવા નિયત સ્થળેથી પોલ હટાવીને પાર્કીંગની જગ્યાને નાની કરવામાં આવતી હોવાની રાવ

મોરબી : મોરબીની આરટીઓ કચેરીમાં કૌભાંડ ચાલતું હોય તેવા આક્ષેપો એક જાગૃત નાગરિક દ્વારા કરીને અંદરખાને ચાલતા ષડ્યંત્રની વિગતો જાહેર કરી છે. જેમાં તેને જણાવ્યું છે કે લાયસન્સ કઢાવવા માટે જો દલાલોને રૂ. 3500ની લ્હાણી કરવામાં ન આવે તો અરજદારને હેરાન પરેશાન થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવીને રીતસરનું પૈસા ખંખેરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે.

આ જાગૃત નાગરિકે નામ ન આપવાની શરતે વિગતો જાહેર કરતા જણાવ્યું કે મોરબીમાં જાંબુડિયા ખાતે જે RTOની નવી ઓફિસ કાર્યરત છે. ત્યાં ફોર વ્હીલ (LMV) ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રૅક્ટિકલ પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવે છે. સૌ પ્રથમ આ ટેસ્ટ માટેની જે ફી છે તેની વાત કરીએ તો લગભગ રૂ. 1200 માં ફોર વ્હીલ લાઈસન્સ માટે ઓનલાઇન માધ્યમથી જે ફીસ ભરવી પડે એ તમામ ખર્ચ આવી જાય છે. એટલે કે જો વ્યક્તિ કમ્પ્યુટર ટેસ્ટ અને પ્રૅક્ટિકલ ટેસ્ટ પ્રથમ પ્રયત્નમાં જ પાસ કરી લે તો પાકું લાઇસન્સ પોસ્ટમાં ઘરે આવી જાય છે અન્ય કોઈ પણ જાતની ફી ભરવાની જરૂર નથી.

પરંતુ વાસ્તવિકતા એવી છે કે વ્યક્તિ પ્રૅક્ટિકલ પરીક્ષામાં પાસ ના થાય એવી જાણી જોઈને ગોઠવણ કરવામાં આવે છે. જેના પરિણામે વ્યક્તિને બીજી વખત પરીક્ષા આપવા રૂ.300 ઓનલાઇન ચૂકવવા, કચેરીના વારંવાર ધક્કા ખાવા, લાંબી કતારોમાં ઉભું રહેવું આવી મુશ્કેલીથી બચવા તેઓ સીધા દલાલોની વહારે જતાં રહે છે અને તેથી હવે તે જ વયક્તિને લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે અલગથી રૂ 3500 આપવા પડે છે. જેના ફળ સ્વરૂપે વ્યક્તિને કતારોમાં ઊભા રહેવાની કે પછી વારંવારના ધક્કાથી મુક્તિ મળે છે. એટલે કે જે વ્યક્તિ દલાલની મદદ લીધા વિના પરીક્ષા પાસ
કરવાનો પ્રયત્ન કરે તો સફળ ના થાય એ પ્રમાણે ટેસ્ટ ટ્રેકની ગોઠવણ કરવામાં આવે છે. જેના ફોટોગ્રાફ પણ અહીં રજૂ કરાયા છે.

જેમાં જોઈ શકાય છે કે ટેસ્ટના પ્રથમ ચરણમાંથી એટલે કે સમાંતર પાર્કિંગમાંથી જ વ્યક્તિને નાપાસ કરી નાખવા પાર્કિંગના ટ્રેક પર જે લાલ કલરના પોલ છે તે નિયત જગ્યાએથી ખસેડીને પાર્કિંગની જગ્યા નિયત કરેલ છે તેના કરતાં નાની બનાવી ષડ્યંત્ર ગોઠવવામાં આવ્યું છે. જો આ જગ્યા નિયમાનુસાર રાખવામાં આવે તો 80% લોકો દલાલની મદદ વિના પાસ કરી લેશે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો મુશ્કેલીથી 30% લોકો જ સમાંતર પાર્કિંગ માંથી પાસ થઈને બીજા ચરણ તરફ આગળ વધે છે.