મોરબી : ટ્રકે સ્કૂટરને હડફેટે લેતા પોલીસ કર્મીની નજર સામે જ પત્નીનું મોત

ગાળા ગામે માતાજીના દર્શન કરીને સ્કૂટરમાં પરત ફરતી વખતે હરિપર કેરાળા ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત

મોરબી : મોરબી હરિપર કેરાળા ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે.એક્ટિવા સવાર દંપતીને હડફેટે લેતા સર્જાયેલા આ અકસ્માતમાં પોલીસ કર્મીની નજર સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ પોલીસ કર્મચારી અને તેના પત્ની ગાળા ગામે માતાજીના દર્શન કરીને એક્ટિવામાં પરત ફરી રહ્યા હતા.ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી પોલીસ લાઈનમાં રહેતા અને પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા રમેશગીરી ઝવેરગીરી ગોસાઈ તેમના પત્ની હર્ષાબેન રમેશગીરી ગોસાઈ સાથે એક્ટિવા લઈને મોરબીના ગાળા ગામે આજે માતાજીના દર્શન કરવા ગયા હતા અને આ દંપતી માતાજીના દર્શન કરીને એક્ટિવામાં પરત આવી રહ્યા હતા ત્યારે મોરબીના હરિપર કેરાળા ગામના પાટિયા પાસે કૈડા સીરામીક સામે રોડ પર અચાનક પુરપાટ ઝડપે ઘસી આવેલા ટ્રક ચાલકે આ એક્ટીવા સવાર દંપતીને હડફેટે ચડાવ્યું હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી હર્ષાબેન ગોસાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રમેશગીરી ગોસાઈને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.