મોરબી શહેરમાં સાંજે ધોધમાર પોણા ચાર ઇંચ વરસાદ : ઠેર- ઠેર પાણી ભરાયા

 

રસ્તાઓ નદીના વહેણ બનતા ઠેર- ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો

મોરબી : મોરબી શહેરમાં આજે સાંજે ધોધમાર પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ ઉપર જાણે નદીના વહેણની જેમ પાણી જતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને કારણે મુખ્ય રોડ- રસ્તાઓ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

મોરબીમાં આજે સાંજના સમયે મેઘરાજા ધોધમાર પોણા ચાર ઇંચ વર્ષી જતા શહેર પાણી- પાણી થઈ ગયું હતું.અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરકારી ચોપડે નોંધાયેલ વરસાદની વિગત જોઈએ તો મોરબીમાં 90 મિમી વરસાદ નોંધાયો છે. જયારે ટંકારામા પણ એકીસાથે વરસાદ તૂટી પડ્યો હોય ખેતરોને નદી નાળામાં પાણી વહેતા થઈ ગયા છે. સજજનપર, વિરપર, હડમતિયા, લજાઈ સહિતના ગામડાઓમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જેને કારણે અનેક સ્થળોએ ગોઠણ સમાં પાણી ભરાયા હતા. ઉપરાંત અનેક સ્થળોએ વીજળી ગુલ પણ થઈ હતી.