આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન : દેશના સર્વાંગી વિકાસ માટે સાક્ષરતા સૌથી અગત્યનું પરિબળ!

- text


છેવાડાનો માનવી પણ સાક્ષર બનશે, ત્યારે ‘પઢેગા ઇન્ડિયા, તભી તો બઢેગા ઇન્ડિયા’ સૂત્ર સાર્થક થશે!

મોરબી : દર વર્ષે 8મી સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ઉજવવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી 17 નવેમ્બર, 1965ના રોજ કરવામાં આવી હતી. નિરક્ષરતાને સમાપ્ત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ મનાવવાના વિચારની પહેલી ચર્ચા ઈરાનના તેહરાનમાં શિક્ષણ પ્રધાનોના વિશ્વ સંમેલનમાં કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત 1966ના વર્ષથી કરવામાં આવી હતી. દર વર્ષે વિવિધ થીમ પર સાક્ષરતા દિવસ ઉજવાય છે.

  • સાક્ષરતાની વ્યાપક વ્યાખ્યા

સાક્ષરતાનો અર્થ ફક્ત વાંચન, લેખન અથવા શિક્ષિત હોવાનો નથી. લોકોના હક અને ફરજો પ્રત્યે જાગૃતિ લાવીને તે સામાજિક વિકાસનો આધાર બની શકે છે. ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન’ ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમજ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે. એટલે કે સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાયને સમજાવવું અને તેના દ્વારા નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. ઉલ્લેખનીય છે કે આજે તા. 8 સપ્ટેમ્બર, 2020ના રોજ 54મો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન છે.

  • ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ

ભારત દેશમાં 5 મે, 1988ના રોજ ‘રાષ્ટ્રીય સાક્ષરતા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી. દેશમાં 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર દ્વારા ‘સાક્ષર ભારત પુરસ્કાર’ આપવામાં આવે છે. 2022 સુધી તમામને સાક્ષર બનાવવાનું સરકારનું લક્ષ્યાંક છે. કારણ કે વ્યક્તિગત અને દેશના સર્વાંગી વિકાસ માટે સાક્ષરતા સૌથી અગત્યનું પરિબળ છે.

- text

ભારતમાં સાક્ષરતા દરની વાત કરીએ તો એક અભ્યાસ મુજબ વર્ષ 1881માં સાક્ષરતા દર 3.2%, 1931માં 7.2%, 1947માં 12.2%, 1951માં 18.33%, 2001માં 64.84%, 2011માં 74.04%, 2018માં 79% છે. આમ, દર વર્ષે સાક્ષરતા દરમાં ઉત્તરોત્તર ઘણો વધારો થયો છે. જે શૈક્ષણિક અને સામાજિક સ્તરે વિકાસ સૂચવે છે. ઉલ્લેખનીય છે કે 2011 અનુસાર સાક્ષરતા દર સૌથી વધુ કેરલમાં 93.91% અને સૌથી ઓછો બિહારમાં 63.82% હતો. તેમજ ગુજરાતમાં સાક્ષરતા દર 79.% હતો. એક અભ્યાસ મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર 2001માં 69.1% હતો. જયારે 2011માં 79% હતો. સ્ત્રીઓમાં સાક્ષરતા દર ગુજરાતમાં 2011માં 70.7% છે. જેની સરખામણીએ ભારતમાં તે દર 65.46% છે. તેમજ ગુજરાતમાં પુરુષોમાં 82.14%ની સરખામણીએ સ્ત્રીઓમાં 65.46% સાક્ષરતા દર હતો. જે સૂચવે છે કે ટેક્નોલોજીના યુગમાં પણ ભારતમાં, ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓમાં શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા વધુ છે.

  • સાક્ષરતાની સાર્થકતા

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ માનવ વિકાસ અને સમાજ માટેના તેમના અધિકારોને જાણવા માટે અને સાક્ષરતા પ્રત્યે માનવ ચેતનાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. લોકોને શિક્ષણ પ્રાપ્ત કરવા અને કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેની તેમની જવાબદારી સમજવા માટે પ્રોત્સાહિત કરવા માટે સાક્ષરતા દિવસ સતત દર વર્ષે ઉજવવામાં આવે છે. ભારત અથવા વિશ્વમાં ગરીબી નાબૂદ કરવી, બાળ મૃત્યુદર ઘટાડવું, વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ કરવું, લિંગ સમાનતા હાંસલ કરવી જેવી મહત્વપૂર્ણ બાબતો ફક્ત સાક્ષરતાને કારણે શક્ય છે. જે કુટુંબ અને દેશની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. આથી, છેવાડાનો માનવી પણ સાક્ષર બનશે, ત્યારે ‘પઢેગા ઇન્ડિયા, તભી તો બઢેગા ઇન્ડિયા’ સૂત્ર સાર્થક થશે!


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text