મોરબી : કોવિડ સર્વેની કામગીરી પૂર્વે યોજાયેલ તાલીમમાં ગેરહાજર 80 કર્મીઓને કલેક્ટરે નોટિસ ફટકારી

- text


  • મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ

  • ગેરહાજર રહેનાર કર્મચારીઓને રૂબરૂમાં હાજર રહી ખૂલાસો કરવા જણાવાયું

મોરબી : કોવીડ-૧૯ વૈશ્વિક મહામારીમાં મોરબી જિલ્લામાં સરકારી કર્મચારીઓ દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ મોરબી ખાતે પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં મળેલ મિટિંગમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા એક્ટિવ સર્વેલન્સ ટીમો બનાવીને કામગીરી સોંપવા અંગે સુચના આપવામાં આવી હતી.

આ સુચના અનુસાર જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા એક્ટિવ સર્વેલન્સ ટીમોની રચના કરવામાં આવી હતી અને વર્ગ ૩-૪ ના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. રેપીડ એક્ટીવ સર્વેલન્સ સર્વેની કામગીરી સમાન રીતે અને યોગ્ય દિશા-નિર્દેશોનુસાર થાય તે માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ગેરહાજર રહેનાર ૮૦ કર્મચારીઓને જિલ્લા કલેક્ટર જે. બી. પટેલે નોટિસ પાઠવી વૈશ્વિક મહામારીમાં કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી ચલાવી ન લેતા કડક હાથે કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

હાલે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધતો જાય છે અને સરકાર દ્વારા કોરોનાને નિયંત્રણ કરવા માટે વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. હાલમાં જ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવના નિર્દેશાનુસાર સમગ્ર મોરબી જિલ્લામાં કોવીડ-૧૯ અંગેની સર્વેની કામગીરી હાથ ધરવા માટે એક્ટીવ સર્વેલન્સ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને સર્વેની કામગીરી સોંપતા પહેલા સર્વેની કામગીરી યોગ્ય દિશામાં થાય તે માટે તા.૦૫/૦૯/૨૦૨૦ રોજ ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ભાગ લેવા અંગેની સુચનાઓ કર્મચારીઓને રૂબરૂ, મોબાઇલ તેમજ કચેરી મારફતે આપવામાં આવી હતી.

- text

આ તાલીમની સુચનાનો અનાદર કરી કોઇપણ કારણોસર તાલીમમાં ગેરહાજર રહેનાર ૮૦થી વધુ કર્મચારીઓને ગેરહાજર રહેલા બદલ નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર ગેરહાજર રહેનાર કર્મચારીને તાલીમમાં ઉપસ્થિત ન રહીને વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં ઇરાદાપૂર્વક સુચનાનું ઉલ્લંઘન કરી બેદરકારી દાખવેલ હોવાનું માનીને સરકારી સેવામાંથી ફરજમોકુફી ઉપર મુકવા આગળની કાર્યવાહી શા માટે ન કરવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૫ તથા ૫૬ અને આઇ.પી.સી.ની કલમ ૧૮૮ અનુસાર ફોજદારી કાર્યવાહી શા માટે ન કરવી તે અંગેનો ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text