વિદ્યાર્થીઓએ પરીક્ષાનો ભય દૂર કરવા શું કરવું જોઈએ..જાણો

મોરબી : હાલમાં ગુજકેટ અને નિટ, જેઇઇ સહિતની પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો ભય કઈ રીતે દૂર કરવો તે માટે મોરબીના જાણીતા ડો. મનીષ સનારીયાએ જરૂરી માર્ગદર્શન આપતા સૂચનો કર્યા છે.

પરીક્ષાનો હાઉ કેવી રીતે દૂર કરવો?

સામાન્ય રીતે, પરીક્ષા જેમ નજીક આવતી જાય તેમ તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન વધતું જતું હોય છે. પરંતુ આ ટેન્શન માત્ર આપણી ફરજનું ભાન કરાવનારું હોવું જોઈએ, પરિણામની ચિંતા કરાવનારું નહિ. આપણે ગીતાના પેલા શ્લોકનું સ્મરણ કરીએ. ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ અર્થાત્ તું કર્મ કરતો જા, એના પરિણામની ચિંતા કરીશ નહિ. કર્મ કર્યું છે એટલે એનું પરિણામ નિશ્વિત મળવાનું જ છે. માટે પરીક્ષાનો બિનજરૂરી હાઉ ઉભો કરવો નહિ. આ સલાહ માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, તેના વાલીઓ માટે પણ છે. કારણ કે ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ કરતા તેના વાલીઓ વધારે ટેન્શન લઇને ફરતાં હોય છે. અહીં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેટલાંક સૂચનો રજૂ કર્યા છે.

વિદ્યાર્થીઓ માટે:

બિનજરૂરી સ્પર્ધામાં ઉતરવું નહિ

મિત્રો વચ્ચે ટકા લાવવા માટે ખોટી શરતો લગાવવી જોઇએ નહિ. દરેકની ક્ષમતા, યાદ શક્તિ અને રુચિના વિષયો જુદા જુદા હોય છે. એટલે કોઇની સાથે, તુલના કરવી નહિ. અગર સ્પર્ધા કરવી હોય તો તે તંદુરસ્ત હોવી જોઇએ.

વધારે પડતો આત્મવિશ્વાસ રાખવો નહિ

આત્મવિશ્વાસ એ એક મોટું મનોબળ છે પરંતુ વધારે પડતો વિશ્વાસઘાતક છે. આપણી ક્ષમતાનું આપણાથી વધારે કોઇને ભાન હોતું નથી એટલે આપણામાં જેટલી ક્ષમતા છે એટલી જ અપેક્ષા રાખવી.

નકારાત્મક વિચારો કરવા નહિ

ઓછા ટકા આવશે કે નપાસ થઇશ તો શું થશે એવી ખોટી ચિંતા કરવી નહિ. આવા બિનજરૂરી ટેન્શનને કારણે આવડતું હોય એ પણ ભુલાઇ જાય છે. પૂરતી ઊંઘ લો આખું વર્ષ સરખી મહેનત કરી હોય તો છેલ્લે, એમાંય પરીક્ષાની આગલી રાતે બિનજરૂરી ઉજાગરા કરવાની જરૂર નથી. ઉજાગરાને કારણે દિવસે સુસ્તી રહેશે, માથું ભારે લાગશે જેને કારણે પરીક્ષામાં આવડતું હશે તો પણ શ્રેષ્ઠ પ્રદર્શન નહિ કરી શકો.

ચોગ્ય કસરત કરો

પરીક્ષા આપવા માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી જરૂરી છે તેના માટે હળવી કસરત કરો અને પોષણ યુક્ત આહાર લો.

પૂરતો આરામ કરો

વાંચતી વખતે દર 45 મિનિટે થોડો આરામ કરો. આપણું મગજ એક સ્થળે 45 મિનિટ કરતાં વધારે સમય એકાગ્ર કરી શકતું નથી. એટલે વચ્ચે વચ્ચે થોડો વિરામ લો.

યોગ્ય આયોજન કરો

પેપર કેવી રીતે લખવું એનું આયોજન અગાઉથી કરી રાખો. જે પ્રશ્ન આવડે છે એને પ્રથમ લખો. ન આવડતા કે ઓછા આવડતા પ્રશ્નમાં અટવાઇને સમય વેડફો નહિ. યોગ્ય અભિવ્યકિત પણ પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.