રાજાશાહી સમયમાં પેરિસ ગણાતા મોરબીની હાલ દયનીય સ્થિતિ માટે જવાબદાર કોણ?

- text


(હીટ વિકેટ… નિલેશ પટેલની કલમે)

મિત્રો , ચોમાસુ હવે જામ્યું છે ને મોરબી માં અનેક સમસ્યાઓ એ પણ વરસાદ સાથે જન્મ લીધો છે જિલ્લામાં એક પણ રોડ રસ્તા ની હાલત ઠીક નથી .. ઠેર ઠેર ગંદકી જોવા મળે છે … સામાન્ય વરસાદ માં પણ રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા એ તો હદ કરી છે .. નીચાણવાળા વિસ્તારો માં ઘરો માં કે દુકાનો માં પાણી ઘુસી રહ્યા છે .. ગટરો ઉભરાઈ રહી છે .. ખેડૂતો માટે વરસાદ પણ હવે તો તકલીફ વધારનાર જ સાબિત થઈ રહ્યો છે .. તો બીજી બાજુ હવે જિલ્લા માં ડેમ માંથી પાણી છોડવું પડી રહ્યું છે ને એના લીધે હવે તકલીફો થોડી આમ પણ વધવાની છે .. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અન્ય જિલ્લાઓ ની તુલના માં આપણે અહીં વરસાદ ઓછો છે છતાં મુશ્કેલીઓ બધા કરતા વધારે કેમ છે ?

મારુ માનવું છે કે આ સ્થિતિ માટે જવાબદાર માત્ર તંત્ર જ નથી મારા સહિત ના મોરબીવાસીઓ પણ એના માટે એટલા જ જવાબદાર છે કારણ કે જિલ્લા ને સાચવવાની જવાબદારી માત્ર તંત્ર ની નથી તંત્ર માં આવતા અધિકારીઓતો પોતાની ફરજ ના ભાગરૂપે જ મોરબી જિલ્લા માં હોય છે એમને તો થાય એટલું કરવું બાકી મૌન બની ને જોવું એ જ યોગ્ય લાગતું હોય પરંતુ જેમને અહીં રહેવાનું છે એ કોણ છે ? તો હવે સમજ્યા કે આપણને જ આપણા જિલ્લા એટલે કે આપણા ઘર ની કોઈ જ ચિંતા નથી ને હા જે ચિંતા દેખાડવામાં આવી રહી છે એ માત્ર કોઈ ને કોઈ કારણોસર છે ને આ બાબત હું કેટલાક ઉદાહરણ સાથે સમજાવવા કોશિશ કરીશ

મોરબી જિલ્લો તો 2013 માં બન્યો પરંતુ આપણે આપણા માટે મુધકેલીઓ ઉભી કરવાનું વર્ષો પહેલા જ શરૂ કરી દીધુ હતું .. વર્ષો થી ફલાણા નો સગો ને ફલાણા નો ભાઈ , ફલાણા છે ત્યાં સુધી તો આપણું જ ચાલશે જેમ મજા આવશે એમ જ કરીશું તેલ લેવા જાય બધા નિયમો .. શુ આવું નથી થયું વિચારી જોજો

વર્ષો થી શહેર માં થઈ રહેલા બાંધકામ કોઈ જ મંજૂરી વિના નીતિનિયમો ને નેવે મૂકી ને થઇ રહ્યા છે ને કોઈ રોકે તો ફલાણા તો છે જ ..મજા આવે એમ પાણી ના નિકાલ બંધ કર્યા ને કોઈ અટકાવે તો ફલાણા નો ફોન તો આવે જ ..ગટરો બની હતી ગંદા પાણી ના નિકાલ માટે ને આપણે એમા ના નાખવાનો બધો જ કચરો નાખ્યો જ છે ને કાયમ .. રોડ બનાવતા પહેલા પાણી કે ગટર ની લાઈનો લઈ લેવા સૂચના ભલે ને આપે તંત્ર પણ આપણે તો આપણા ટાઈમે જ રોડ તોડીશું .. ભલેને રોડ બે દિવસ પહેલા જ બન્યો હોય મારે શુ કામ વિચારવું પડે કે રોડ નું શુ થશે હું કોણ ? .. ફલાણા નો સગો મને રોકવાની કોની તાકાત છે .. જ્યાં મજા આવે ત્યાં ભરતી કરી ને પાણી નો નિકાલ બંધ કરી દેવાનો હું કોણ ?..

- text

સરકાર ની બધી જ યોજના ના લાભ મને તો મળવા જ જોઈએ ગરીબ વસ્તી ભલે હેરાન થાય … બસ આવું જ કર્યું આપણે કાયમ ને એનું જ પરિણામ છે કે તંત્ર માં આવતા અધિકારીઓ એ પણ મન માં નક્કી કરી લીધું કે આપણે શું કામ આ ફલાણા સાથે માથાકૂટ કરવી પડે આપણે તો બે ત્રણ વર્ષ અહીં છીએ પછી તો આપણી બદલી થઈ જ જવાની છે તો ભલે ને જેને જે કરવું હોય એ કરે ને બસ એટલે જ મોરબી જે સૌરાષ્ટ્ર નું પેરિસ હતું એ નર્ક સમાન બનતું ગયું એવી એક પણ સમસ્યા નથી જે હાલ મોરબી જિલ્લા માં ના હોય ને આપણે જાતે જ નર્કવાસી બની ગયા ત્યારે હવે મન માંથી આક્રોશ નીકળી રહ્યો છે ને એ પણ તંત્ર માટે અદભુત વિચારો નથી આપણા વિચારી જુવો એક વાર

યાદ રાખજો તંત્ર ત્યાં સુધી કાઈ જ નહીં કરી શકે જ્યાં સુધી કેટલાક વ્યક્તિઓ માટે લાલ જાજમ પાથરવામાં આવતી રહે નિયમો બધા માટે સરખા જ હોવા જોઈએ ને ત્યારે જ નિયમો ને આધીન વિકાસ થાય બાકી તો વિકાસ ના નામે વિનાશ તરફ જ આગળ વધતા રહીશું .. શા માટે લોકો ભૂકંપ ઝોન 4 માં હાઇરાઈઝ બિલ્ડીંગ માં ફ્લેટ ખરીદે છે ? .. શા માટે કોઈ પણ વ્યક્તિ ખરીદી કરતા પહેલા જરૂરી સુવિધાઓ સામે જોતું નથી ? .. બંધકામ ને મંજૂરી છે કે નહીં એ જોવાતું ના હોય એવું તો કદાચ મોરબી માં જ બને બાકી નીતિ નિયમ વિના બનતા બાંધકામ ને ખરીદનાર કોઈ હોય જ નહીં તો કોણ એવા બાંધકામ કરવાનું જોખમ લેશે .. પણ આપણે તો એ જ કરવું છે જે યોગ્ય ન હોય .. પાણી નિકાલ બંધ થશે તો પાણી ઘર ને દુકાનો માં તો જશે જ ભાઈ એને ભગવાન પણ ના રોકી શકે .. રોડ તોડવામાં વિચાર ના કરનારા હશે ત્યાં સુધી તંત્ર પાસે સારા રોડ ની આશા કેવી રીતે રાખી શકો .. ગટર ના સાચા ઉપયોગ કરતા નહીં શીખો ત્યાં સુધી ગમે એવી ગટર યોજના આવે કોઈ જ લાભ નહીં થાય કાયમ ગટર માંથી ચાલવાની ટેવ પાડી લો …

કહેવા બેસીએ તો વાત નો કોઈ અંત જ નથી પણ એટલું ચોક્કસ કહીશ બધા પોતે જ કાયદા ને નીતિ નિયમ માં જીવતા શીખો આપોઆપ બધા જ પ્રશ્નો દૂર થતાં જશે જ્યાં સુધી નિયમ મારા સિવાય બીજા માટે ની ભાવના છોડવામાં નહીં આવે ત્યાં સુધી તંત્ર ઊંધા માથે થાય તો પણ મોરબી ફરી પેરિસ નહીં જ બને આ કડવી વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરો ને આજ થી જ પોતાના માં ફેરફાર લાવો .. બાકી બધું જાતે ઠીક થતું જશે ..

જય હિન્દ , નિલેશ પટેલ ,મોરબી

- text