મોરબી જિલ્લાના ગુજકેટ, ધો.-10 તથા ધો.-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ જોગ યાદી

મોરબી : મોરબી જિલ્લામા આગામી તા.૨૪/૦૮/૨૦૨૦ ને સોમવારના રોજ ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટેની ગુજકેટ પરીક્ષાનુ તેમજ તા.૨૫/૦૮/૨૦૨૦ થી તા.૨૮/૦૮/૨૦૨૦ સુધી ધો. ૧૦ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની માર્ચ-૨૦૨૦ ની બોર્ડની પરીક્ષામા એક/બે વિષયમાં અનુતીર્ણ વિદ્યાર્થી માટેની પૂરક પરીક્ષાનુ આયોજન થનાર છે. સદરહુ બંને પરીક્ષા મોરબી જિલ્લાના એકમાત્ર કેન્દ્ર મોરબી તાલુકામાં લેવામાં આવનાર છે. ગુજકેટ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાની ઓનલાઈન હોલટીકીટ બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.

હાલની કોરોના COVID-19 ની પરિસ્થિતિને ધ્યાને લઇ લેવામાં આવનાર પરીક્ષામા પરીક્ષા આપવા આવનાર તમામ પરીક્ષાર્થીઓએ સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ પરીક્ષાર્થીઓએ સમગ્ર પરીક્ષા દરમિયાન ફરજીયાત માસ્ક પહેરીને પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું. પરીક્ષા સ્થળ ખાતે પ્રવેશ લેનાર તમામ વ્યક્તિઓનું થર્મલ ગન વડે ચકાસણી કાર્ય બાદ જ પ્રવેશ આપવામાં આવશે, જેથી પરીક્ષાર્થીઓએ પરીક્ષા સમયના ૨ કલાક પહેલા પરીક્ષાની હોલટીકીટ બિનચૂક સાથે રાખી પરીક્ષા સ્થળ ખાતે હાજર થઇ સમયસર પ્રવેશ મેળવી લેવો.

હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ પરીક્ષાર્થી પારદર્શક પાણીની બોટલ સાથે લાવી શકે છે. પરીક્ષા દરમિયાન બિનજરૂરી રીતે દીવાલ, દાદરા, રેલીંગ કે અન્ય કોઈ વસ્તુઓને અડકવું નહિ. પરીક્ષા પૂર્ણ થયા બાદ બિનજરૂરી ટોળામાં ઊભા ન રહેવું. ગુજકેટની પરીક્ષા દરમિયાન વચ્ચેના રીશેષના ગાળા દરમિયાન લોબી, મેદાનમાં એકઠા થવું નહિ. પરીક્ષા સ્થળ ખાતે શાળા દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓએ સહકાર આપવો, જેથી પરીક્ષાનુ સુચારુ સંચાલન થઇ શકે તેમજ પરીક્ષા બાબતે કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે જિલ્લા કંટ્રોલ રૂમ આગામી તા. ૨૨/૦૮/૨૦૨૦ થી કાર્યરત થશે જેનો સંપર્ક નંબર: (૦૨૮૨૨) ૨૨૨૮૭૫ છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીની યાદીમાં જણાવાયું છે.