મોરબી : જૈન દેરાસર રોડ પર પાણીના લીકેજ વાલ્વથી પાણીનો વેડફાડ

- text


લીકેજ વાલ્વમાંથી પાણી શેરીઓમાં ભરાતા પરેશાન સ્થાનિકોએ તંત્રને કરી રજુઆત

મોરબી : એક તરફ પાણી બચાવો-પાણી તમને બચાવશેના સરકારી સૂત્રો અને જળ સંચય અભિયાનની વાતો વચ્ચે પીવાના પાણીનો વેડફાટ થતો હોય એવા દ્રશ્યો જોવા મળે ત્યારે કથની અને કરણી વચ્ચેનો સરકારી ભેદ લોકોને આશ્ચર્યમાં મૂકી દયે છે. મોરબી શહેરમાં દરબારગઢ નજીક જૈન દહેરાસર રોડ પર આવી જ સ્થિતિનું નિર્માણ ઘણા સમયથી થયું હોય સ્થાનિકોમાં નારાજગી સાથે રોષ પ્રવર્તી રહ્યો છે.

જૈન દહેરાસર પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાંથી પાણીનો ઓવર ફ્લો થતા સેંકડો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકોની વારંવારની રજૂઆતો કાઉન્સિલર કાને ધરતા ન હોવાની રાવ ઉઠી છે. હાલ જૈનોના પાવનકારી પર્યુષણનો પ્રારંભ થયો છે ત્યારે દહેરાસરે આવતા સેંકડો ભાવિકોને જળમગ્ન રસ્તેથી પસાર થવું પડતું હોય અને આ પાણીમાં નાના જીવજંતુ પગ તળે અજાણતા કચડાતા હોય લોકોની લાગણી દુભાઈ રહી છે.

- text

હાલ પર્યુષણના પાવન અવસરને કારણે અહીં સ્થિત જૈન દહેરાસરમાં જૈન આચાર્યો, ગુરુ ભગવંતો અને ભાવિકો પસાર થતા હોય સહુ કોઈને આ પાણીમાંથી પસાર થવું પડતું હોય જૈન મંદિર ટ્રસ્ટી નવીનભાઈ સંઘવી, દિનેશભાઇ, લતાવાસી સંજયભાઈ સુખડીયા, વૈભવ મહેતા, નિલેશભાઈ, તથા જૈન સોશિયલ ગ્રુપના તમામ સભ્યો અને ભાવેશભાઈ સાહિતનાઓએ રજુઆત કરી છે કે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. શેઠ સંજય મહીપતલાલ સુખડીયાએ રજુઆતના અંતમાં જણાવ્યું છે કે આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો દિવસ દરમ્યાન પણ ચાલુ રહે છે જે પરત્વે પણ તંત્રનું ધ્યાન દોરવા છતાં સવારે લાઈટો બંધ કરવા માટેની વ્યવસ્થા થતી નથી તો તંત્ર આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરે.

- text