કોરોનાની પોઝિટિવ અસર : વૈશ્વિક માર્કેટ મોરબી તરફ વળતા સીરામીક ઉદ્યોગમાં તેજીનો માહોલ

  • મોરબીના સીરામીક ઉદ્યોગે તકનો લાભ લઇ નિકાસ વધારીને વૈશ્વિક મંદીના મારને હરાવ્યો


  • ‘આત્મનિર્ભર ભારત યોજના’ અને ‘લોકલ ફોર વોકલ’નો સીધો અને તરત જ ફાયદો થયો છે : સીરામીક એસોસિયેશન


મોરબી : કોરોના વાયરસ મહામારીના પગલે વિશ્વભરમાં તમામ ઉદ્યોગોને આર્થિક ફટકો પડ્યો છે. દેશમાં લોકડાઉન થવાનાના પગલે અર્થતંત્ર ડામાડોળ થયું છે. મહિનાઓ સુધી ઉદ્યોગ-ધંધા બંધ રહેવાથી આયાત-નિકાસના પ્રમાણમાં ફેરફાર થયો છે. ત્યારે ચીન પછી સિરામિક ઉદ્યોગમાં સૌથી આગળ એવા મોરબીના સીરામીક ઉદ્યોગે નિકાસ વધારી વૈશ્વિક મંદીના મારને હરાવ્યો છે! જુલાઈમાં મોરબીમાંથી નિકાસના આંકડા પાછલા વર્ષની તુલનામાં બમણા થયા છે. ત્યારે ઉદ્યોગનગરી મોરબીએ ખરા અર્થમાં ઉદ્યોગનગરી પુરવાર થઇ છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, વિશ્વવ્યાપી મંદી હોવા છતાં, મોરબીમાં સિરામિક નિકાસએ જુલાઈ દરમિયાન તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે નિકાસના સત્તાવાર આંકડાઓની રાહ જોવાઇ રહી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (આર.સી.સી.આઈ.) દ્વારા જાહેર કરાયેલ ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજીન’ દાવો કરે છે કે જુલાઈમાં મોરબીમાંથી નિકાસના આંકડા પાછલા વર્ષની તુલનામાં બમણા થયા છે.

ઉદ્યોગપતિઓને દર મહિને આરસીસીઆઈ તરફથી 40 થી 45 જેટલા સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેનો અર્થ છે કે નિકાસની રકમ લગભગ રૂ .1000 થી 1,200 કરોડ છે. પરંતુ જુલાઈમાં, તેઓ લગભગ રૂ. 1,800 થી 2,000 કરોડના માલની નિકાસ કરી છે. ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજીન’ એક દસ્તાવેજ છે જે સાબિત કરે છે કે જે તે ઉત્પાદન મૂળ નિકાસ કરતા દેશમાં બનાવવામાં આવેલ છે. આ પ્રમાણપત્ર નિકાસ દસ્તાવેજોમાં આવશ્યક છે અને કેટલીક ઔદ્યોગિક સંસ્થાઓ આ પ્રમાણપત્ર જારી કરવા માટે અધિકૃત છે.

મોરબી સીરામીક ઉદ્યોગ ઇન્ટરનેશનલ લેવલની માંગ પ્રમાણે પ્રોડક્ટ બનાવે છે. જેથી, ‘આત્મનિર્ભર ભારત યોજના’ અને ‘લોકલ ફોર વોકલ’નો સીધો અને તરત જ ફાયદો થયો છે. : નિલેશભાઈ જેતપરીયા

આ અંગે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું છે કે “વૈશ્વિક માર્કેટમાં જે ચાઈના વિરોઘી માહોલ ઉભો થયો છે. જેના કારણે સીરામીક એક્સપોર્ટમાં 20 થી 25% જેટલો વધારો થયો છે. આગામી 6 થી 8 મહિના સુધીમાં આ ટકાવારી 30 થી 35 સુધી પહોંચવાની સંભાવના છે. અનલોકમાં બાંધકામ શરુ થતા ડોમેસ્ટિક લેવલે પણ ટાઇલ્સની માંગ થઇ રહી છે. હવે દેશભરમાં ‘મેડ ઈન ચાઈના’થી લોકો થાક્યા છે. તેનો વિરોધ કરી રહ્યા છે. આથી, લોકો ‘મેડ ઈન ઇન્ડિયા’ પ્રોડક્ટ તરફ વળ્યાં છે. જેના કારણે સીરામીક માર્કેટમાં તેજી આવવાની આશા છે. અન્ય ઉદ્યોગ હજુ ડોમેસ્ટિક માર્કેટની માંગ પ્રમાણે વેપાર કરવામાં સીમિત છે. જયારે મોરબી સીરામીક ઉદ્યોગ છેલ્લા 5-7 વર્ષથી ઇન્ટરનેશનલ લેવલની માંગ પ્રમાણે પ્રોડક્ટ બનાવે છે. જેથી, ‘આત્મનિર્ભર ભારત યોજના’ અને ‘લોકલ ફોર વોકલ’નો સીધો અને તરત જ ફાયદો મોરબી સીરામીક ઉદ્યોગને થયો છે.”

ચીન સામે ઉભા થયેલા જુવાળનો લાભ ઇન્ટરનેશનલ લેવલે વધુ થયો છે : મુકેશભાઈ ઉધરેજા

આ અંગે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું છે કે “કોરોનાના કારણે વિશ્વભરમાં ચીન સામે વિરોધની ભાવના જાગી છે. જેનો લાભ ઇન્ટરનેશનલ લેવલે વધુ થયો છે. ભારત સહિતના વિશ્વના દેશો ચાઈનાથી પ્રોડક્ટનો ઉપયોગ ટાળી રહ્યા છે. તેમજ લોકડાઉનને કારણે અન્ય દેશોમાં સીરામીક વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું છે. જેનો લાભ મોરબી સીરામીક ઉદ્યોગને મળ્યો છે. તેમજ ડોમેસ્ટિક લેવલે પણ અનલોક માંગ વધશે તેવી શક્યતા છે. આ ઉપરાંત, ઉદ્યોગપતિઓના પ્રયાસોને કારણે 80% જેટલા મજૂરો પણ પરત આવી ગયા છે. જેથી, હાલની માંગને પહોંચી વળવાનું શક્ય બન્યું છે.”