તુંકારે બોલાવીને પણ પ્રેમ અને માન જતાવી શકાતા એક માત્ર ઈશ્વર એટલે કૃષ્ણ!

- text


(લવ યુ, જિંદગી! – માર્ગી મહેતા)

શ્રીકૃષ્ણ એટલે બોજ વિનાની મોજ સાથે જીવતા શીખવાડનાર ભાર વિનાના ભગવાન.

મોબાઈલના વોલપેપરથી ઘરની વોલ પર બાલકૃષ્ણથી લઈને રાજાધિરાજ છવાયેલા છે.


ક્રિષ્ન કી લીલા હૈ, ક્રિષ્ન કી મહિમા હૈ, ક્રિષ્ન કે ગૌરવ ધર્મનિશાર હૈ,
કણ-કણ મેં કાન્હા હૈ, ક્રિષ્ન કી માયા હૈ, ક્રિષ્ન નારાયણ કા અવતાર હૈ.
(રાધા-કૃષ્ણ ટીવી શો)

શ્રીકૃષ્ણએ વિષ્ણુનો નવમો અવતાર છે. નૃસિંહ, વામન, રામ કે અન્ય અવતાર હોય અથવા શંકર, ગણેશ, બ્રહ્મા સહીત કોઈપણ દેવ હોય, તેમને તુંકારે સંબોધી શકાય નહીં. રામ કે શિવને તુંકારે સંબોધવામાં થોડો ખચકાટ જરૂર થાય. પરંતુ કૃષ્ણ એક માત્ર એવા ઈશ્વર છે કે જેને તુંકારે સંબોધીએ તો વધુ પ્રેમ જતાવી શકાય છે, તેમનું માન ઓછું થતું હોય તેવું લાગતું નથી. કારણ કે કૃષ્ણ પરમેશ્વર હોવા છતાં તેની સાથે અટેચમેન્ટ કરવું સરળ છે. તે બાળક, મિત્ર, પ્રેમી, ગાઈડ કે કોઈપણ સ્વરૂપે પોતાના લાગે છે. એટલે જ પાંચ હજાર વર્ષો પછી પણ કૃષ્ણ એવરગ્રીન છે.

વાંસળી પડઘાય આખા ગામમાં,
કૃષ્ણ એવું શું છે તારા નામમાં.
– આદિલ મન્સૂરી

કૃષ્ણના નામોમાં જાદુ છે, તેના સ્વરૂપોમાં આકર્ષણ છે અને તેની લીલાઓમાં દિવ્યતા છે. તે સૌના ચિત્તને ચોરી લેતો ચિત્તચોર છે, મનને મોહી લેતો મનોહર છે. છુપી રીતે મટુકી ફોડી માખણ ખાતો અને ખવડાવતો મટકીફોડ-માખણચોર છે. તે દોરડે બંધાઈને માં યશોદાને મુખમાં બ્રહ્માંડ દેખાડતો દામોદર છે, તો કારાગારમાં કેદ માતા દેવકીને સાંકળથી મુક્ત કરતો વાસુદેવ પણ છે. તે ઇન્દ્રના કોપથી વ્રજવાસીઓને બચાવવા ગોવર્ધન ઉંચકતો ગિરિધર છે, તો હંમેશા માટે વ્રજ છોડી વ્રજવાસીઓને વિરહ આપતો કનૈયો પણ છે. તે જરાસંઘ સાથે યુદ્ધ દરમિયાન ભાગી જનાર રણછોડ છે, તો કુરુક્ષેત્રના યુદ્ધ વખતે અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા આપવા ગીતા સંભળાવનાર યોગેશ્વર પણ છે. કૃષ્ણ રાધાને પ્રેમ કરી તેની સાથે રાસ રમતા રાધારમણ છે, તો રુક્મિણીનો પ્રેમપત્ર વાંચી તેની સાથે વિવાહનો પ્રસ્તાવ સ્વીકારતા દ્વારકાધીશ પણ છે.

દ્વારકામાં કોક તને પૂછશે કે શ્યામ,
ઓલી ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું રે જવાબ દઈશ માધા?
– ઇસુભાઈ ગઢવી

આવા કોઈ સવાલના જવાબમાં બાંકેબિહારી એવો જવાબ આપી શકે કે ગોપીઓના ચીર હરી સખીઓને પજવતા કાન્હાને હસ્તિનાપુરની ભરી રાજસભામાં દ્રોપદીના ચીર પૂરનાર કેશવ બનવાનું હતું. કૃષ્ણ વેણુ પર પોતાની આંગળી ફેરવી સૂર છેડી ગોપીઓના હૈયા વીંધી શકે છે અને તે જ આંગળીઓથી સુદર્શન ફેરવી સો અપશબ્દો બોલનાર શિશુપાલનો વધ પણ કરી શકે છે. ગોકુળમાં ફૂલોથી શોભિત પાગમાં મોરપીંછ લગાડી ગાયો ચરાવનાર ગોપાલ જ સોનાના મુગટ પર મોરપીંછ લગાડી અર્જુનની વિનંતી સ્વીકારી કુરુક્ષેત્રમાં રથ ચલાવનાર અચ્યુત છે. કૃષ્ણ સાંદીપની ઋષિની પહેલા ગોપીજનોને ગુરુ માને છે. જે કૃષ્ણના મહાત્મ્ય અને વિરાટ વ્યક્તિત્વનો પરિચય આપે છે.

- text

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
– મુકેશ જોશી

રાધા અને ગોપીઓ સાથે રાસ રચાવનાર તથા હજારો રાણીઓ સાથે લગ્ન કરનાર કૃષ્ણ એક ઋષિની સાક્ષીમાં યમુનાને એક કહે છે કે મેં જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો માર્ગ કરી આપો. અને યમુના નદીમાં ચાલવા માટેનો માર્ગ બની જાય છે! કારણ કે કૃષ્ણ રસ, ભાવ, ગુણ, લાગણીઓથી યુક્ત હોવા છતાં તમામથી પર છે, પરમ છે. આવા પરમાત્મા મધુસૂદન જ રાજમહેલનું રજવાડી ભોજન છોડી દાસીપુત્ર વિદુરની ભાજી આરોગવાનું પસંદ કરી શકે છે. એટલે જ કૃષ્ણ એક માત્ર પૂર્ણ પુરુષોત્તમ છે.

દુર્યોધન કો મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર ખાઈ,
સબસે ઊંચી પ્રેમ સગાઈ!
– અજ્ઞાત

કૃષ્ણ સાથે માનવજાતનું કનેક્શન હજારો વર્ષો પછી પણ અકબંધ છે. નરસૈંયાનો સ્વામી જરૂર પડ્યે દોડી આવે છે. મીરાંનો ગિરિધર ગીતો ગાતો ગલીઓમાં નાચે છે. અજબકુંવરના શ્રીનાથજી નાથદ્વારામાં તેની ઓરડીમાં બિરાજે છે. સૂરદાસના પદોમાં કૃષ્ણની અનુભૂતિ થાય છે. દયારામના ભજનો ‘શ્યામ રંગ સમીપે’ હોવાની ઝલક આપે છે. હજુ પણ માધવ મનના મધુવનમાં મળી જાય છે. કવિતાઓ, લેખો, ચિત્રો, મંદિરો, ધર્મો, સંપ્રદાયો, શિલ્પો, સ્થાપત્યો અને માનવીની ભીતરમાં કૃષ્ણનો પ્રેમપૂર્વક વસવાટ છે. મોબાઈલના વોલપેપરથી લઈને ઘરની વોલ પર કૃષ્ણ છવાયેલા રહે છે. વોટ્સએપના ડિસ્પ્લે પિક્ચરથી ફેસબુકના કવર ફોટોમાં બાલકૃષ્ણથી લઈ રાજાધિરાજ કૃષ્ણ સચવાયેલા છે. રસ્તે જતા રિક્ષા કે ટ્રકની પાછળથી પણ ‘નટખટ કાનુડો’ કે ‘તોફાની કનૈયો’ મળી આવે, તો નવાઈ નહીં!

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં કળ્યા’તા શ્યામ કોણ માનશે?
– હરીન્દ્ર દવે

શ્રીકૃષ્ણ બોજ વિનાની મોજ સાથે જિંદગી જીવતા શીખવાડનાર ભાર વિનાના ભગવાન છે. એવું નથી કે કૃષ્ણના જીવનમાં સમસ્યા નહતી. પરંતુ તેણે જખ્મોને મુખારવિંદ પર સદા વિલસતા સ્મિતના મુલાયમ પડ પાછળ છુપાવી રાખ્યા હતા. હસતા મુખે જીવન જીવવાની કળા કૃષ્ણને આવડે છે. તે પોતાની પ્રકૃત્તિ દ્વારા જીવન જીવવાની પ્રતિકૃતિ દર્શાવે છે. જિંદગીને જવાબદારી નિભાવાની સાથે ભરપૂર માણી લેવાની, એટલે અંત સમયે જિંદગી જીવ્યાનો સંતોષ હોય. એ સંતોષ કૃષ્ણને હશે, એટલે જ કુરુક્ષેત્રના યુદ્ધમાં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લેનાર કૃષ્ણએ પારધી જરાના તીરને સ્વીકારી લીધું અને તીર માત્ર પગના અંગુઠા પર વાગ્યું હોવા છતાં તેને માનવ અવતારની લીલા સમેટવાનું કારણ બનાવી દીધું! આવા કૃષ્ણને એક વાર કહેવાનું મન ચોક્કસ થાય કે,

હળવે હળવે મોરપીંછ બરસાના બાજુ સરકાવોને કા’ન,
ધીરે ધીરે બંસીના સૂર રેલાવોને કા’ન, ફરી આવોને કા’ન.

~ માર્ગી મહેતા

- text