ચોપડીના પાઠ ભણાવતા માસ્તરો હવે કંદોઈ બની ગયા : ખાનગી સ્કૂલના શિક્ષકો હવે ફરસાણ વેચશે !!

- text


ફી આવવાની બંધ થતાં શાળાઓ પગાર આપતી ન હોય, આર્થિક સંકટ ટાળવા અન્ય ધંધામાં લાગી જતા શિક્ષકો

મોરબી : ફી મુદ્દે સરકારે કરેલા નિર્ણય બાદ માસ્તરોને હવે અન્ય ધંધા તરફ વળવાનો વારો આવ્યો છે. શાળાઓ દ્વારા પગાર કરવામાં ન આવતા શિક્ષકોની હાલત કફોડી બની છે. ત્યારે શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થાના શિક્ષકોને તો કંદોઇ બનવાનો વારો આવ્યો છે. આ શિક્ષકોએ મળીને ફરસાણનો ધંધો ચાલુ કરી પોતાના પર આવેલું આર્થિક સંકટ ટાળવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે.

લોકડાઉનમાં શાળાઓ બંધ રહેતા શિક્ષકોને આર્થિક માર પડ્યો છે. મોટાભાગની શાળાઓમાં શિક્ષકોના માર્ચ સુધી જ પગાર થયા છે. ત્યારબાદ શિક્ષકોને પુરા પગાર આપવામાં આવ્યા નથી. વધુમાં ફી લેવા સામે સરકારે પાબંધી મુકતા શિક્ષકોની હાલત કફોડી બની ગઈ છે. કારણકે ફી ન મળતા સંચાલકોએ શિક્ષકોને પગાર ચૂકવવા મામલે હાથ ઊંચા કરી દીધા છે. આમ પગાર ન મળતો હોય ઘરનું ગુજરાન ચલાવવા શિક્ષકો હવે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે.

શહેરની જાણીતી ખાનગી શૈક્ષણિક સંસ્થા ઓમ શાંતિ સ્કૂલના શિક્ષકોએ તો જન્માષ્ટમી સ્પેશિયલ ફરસાણ માર્ટ શરૂ કરી દીધું છે. જેનું નામ પણ ઓમ શાંતિ ફરસાણ આપવામાં આવ્યું છે. આ વાત જેટલી હાસ્યાસ્પદ લાગે છે. તેટલી ગંભીર પણ છે. જે શિક્ષકોની લાચારી દર્શાવે છે. શાળાના 10 શિક્ષકો મળીને હાલ આ ફરસાણ માર્ટ ચલાવી રહ્યા છે. જેમાં તેઓ ફરસી પુરી, તીખા ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, સક્કરપારા, થેપલા, ઘઉંના લોટની કડક તીખી પુરી, તીખી અને મોરી સેવ, પાપડી તીખા અને મોરા ગાંઠિયા બનાવે છે.

- text

આ શિક્ષકો તા.10 ઓગસ્ટ સુધી ફરસાણ માર્ટ ચલાવવાના છે. જેમાં ઓર્ડર પ્રમાણે તમામ ફરસાણ બનાવી આપવાના છે. ઓર્ડર માટે મો.નં. 6359317615, 9428347595નો સંપર્ક કરવા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

શિક્ષકોની હાલત દયનિય, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ : પ્રિન્સિપાલ વિરડીયા

ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ વિરડીયાએ જણાવ્યું કે હાલ શિક્ષકોની હાલત દયનિય છે. મોટાભાગની શાળાઓમાં માર્ચ માસથી શિક્ષકોને પુરા પગાર ચૂકવવાનું બંધ કરી દેવાયુ છે. જ્યારે તેઓની શાળામાં જૂન માસ સુધી શિક્ષકોને પગાર ચુકવાયો છે. પણ હવે ફી ન મળવાથી શાળાઓ સક્ષમ ન હોય શિક્ષકોને પગાર આપવામાં આવ્યા નથી. ત્યારે અહીંના શિક્ષકોએ મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવવાનો દ્રઢ નિર્ણય લીધો છે. 10 જેટલા શિક્ષકોએ ફરસાણ માર્ટ શરૂ કર્યું છે. શાળા દ્વારા પણ તેઓને બનતી તમામ મદદ કરવામાં આવી છે. ત્યારે લોકો પણ આ શિક્ષકોને સહયોગ આપે તેવી અપીલ છે.

- text