મોરબીના લખધીરપુર રોડ ઉપર રીક્ષા અને ક્રેઇન વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, બેને ઇજા

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર ગઈકાલે રીક્ષા અને ક્રેઇન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી રિક્ષામાં બેઠેલા એક મુસાફરનું સ્થળ ઉપરજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મુસાફરોને ઇજા પહોંચી હતી.

આ અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાછળ આવેલ બાવા બુઢા વાળી લાઈનમાં રહેતા રીક્ષા ડ્રાયવિંગનો ધંધો કરતા ઉસ્માનભાઈ અબ્દુલભાઈ ચાનીયા નામના રીક્ષાચાલક ગઈકાલે મોરબીના લખધીરપુર રોડ ઉપર દરીયાલાલ કાંટા પાસે પોતાની રીક્ષા નંબર- જી.જે.૩૬ યુ ૨૦૬૮ લઈને ઉભા હતા. તે સમયે જી.જે.૦૬ ડી.એચ.૦૨૩૫.નબરના ક્રેઈન હાઈડ્રોના ચાલકે રીક્ષા ઠાઠાના ભાગે જમણી સાઈડમા ક્રેઈન ભટકાડી પાછળ બેઠલ પેસેન્જર ગોપાલભાઈ નરેન્દ્રભાઈ ગીરી ઉપર ક્રેઇનના ટાયર ફરી વળતા તેનું મોત થયું છે. જ્યારે આ અકસ્માતની ઘટનામાં રિક્ષામાં બેઠેલા અન્ય બે મુસાફરોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે રીક્ષાચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રેઇન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.