મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં જુગાર રમતા 13ની અટકાયત

ઇન્દીરાનગર, લાભનગર તથા વીશીપરા વિસ્તારમાં જુગાર રમતા પકડાયા

મોરબી : હાલમાં શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવાની મોસમ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે તા. 3ના રોજ પોલીસ દ્વારા મોરબી શહેરના ઇન્દીરાનગર, લાભનગર તથા વીશીપરા વિસ્તારમાં જુગાર રમતા 13 પત્તાપ્રેમીઓની અટકાયત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબીના ઇન્દીરાનગરમાં મંગલમ વીસ્તાર પાસે જુગાર રમતા ગજાભાઇ રામજીભાઇ સાતોલા, વીપુલભાઇ રામાભાઇ ભરવાડીયા, મનોજભાઇ કેસુભાઇ માનેવાડીયા, ધીરૂભાઇ મનજીભાઇ બહાપીયા તથા રાકેશભાઇ મુળજીભાઇ રાઠોડને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 12,700 જપ્ત કર્યા છે.

આ ઉપરાંત, મોરબીના વેજીટેબલ રોડ પર લાભનગરમાં મોમાઇ માતાજીના મંદીર પાસે જુગાર રમતા દીનેશભાઇ અમરશીભાઇ સાલાણી, બળદેવભાઇ રામજીભાઇ સાલાણી, રવીભાઇ નાગજીભાઇ ઉચાણા, રાજેશભાઇ મગનભાઇ સાલાણી તથા નરેશભાઇ મગનભાઇ સાલાણીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,600 કબ્જે કર્યા છે.

વધુમાં, મોરબીના વીશીપરા સ્મશાન રોડ પર મામાદેવનાં મંદીર પાસે પરેશભાઇ હકાભાઇ ધામેચ, જગદીશભાઇ દેવજીભાઇ ગૈડેયા તથા હાજીભાઇ જુમાભાઇ મનસુરીને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 7,000 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.