મોરબી : રાત્રિના થયેલ હત્યા કેસમાં ફરિયાદ નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી

ઘર પાસે બાઇક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે યુવાનને પાડોશીએ પતાવી દીધાનું ખુલ્યું

મોરબી : મોરબીના મચ્છી પીઠ પાસે આવેલ ઘાંચી શેરીમાં રહેતા યુવાનની ગતરાત્રે તેના જ વિસ્તારમાંથી છરીના ઘા ઝીકી હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ બનાવમાં ઘર પાસે બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુવાનને પાડોશી શખ્સે પતાવી દીધો હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના મચ્છી પીઠ પાસે આવેલ ઘાંચી શેરીમાં રહેતા અનિસભાઈ રફીકભાઈ પીઠડીયા (ઉ.વ. 26) નામના યુવાનની ગતરાત્રે છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવને પગલે એ ડિવિજન પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આ યુવાનની નજીવી બાબતે પાડોશી શખ્સે હત્યા કરી નાખ્યાનું ખુલ્યું હતું.

જેથી, આ બનાવ અંગે મૃતકના ભાઈ શકીલભાઈ રફીકભાઈ પીઠડીયાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની જ શેરીમાં રહેતા જાબિર સીદીકભાઈ પીલુડિયાએ આ યુવાનની હત્યા કરી નાખી હતી. જેમાં ગતરાત્રે ઘાંચી શેરીમાં અને ફરિયાદીના ઘર પાસે મોટર સાયકલ પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે મૃતક યુવાન અને પાડોશી શખ્સ વચ્ચે ડખ્ખો થયો હતો. આથી, ઉશ્કેરાયેલા પાડોશી શખ્સ જાબિર સીદીકભાઈ પીલુડિયાએ અનિસભાઈને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ ડિવિજન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધો હતો. પીઆઇ જે. એમ. આલ આ હત્યાના બનાવની સઘન તપાસ ચલાવી રહ્યા છે.