સાર્થક ઉજવણી : દૂર વસતા ભાઈ-બહેન કોરોનાથી એકબીજાની રક્ષા કાજે મળ્યા વિના રક્ષાબંધન ઉજવશે

- text


(અવની ફૂલતરીયા, રીમા શેરસીયા)

રક્ષાબંધનને નડ્યું કોરોનાનું ગ્રહણ : આ વર્ષે દૂર વસતા ભાઈ-બહેનો રૂબરૂ મળવાનું ટાળશે

જુદાં-જુદાં શહેરમાં વસતા ભાઈ-બહેન વીડિઓ કોલ કરી રક્ષાબંધનની ઉજવણી કરશે

મોરબી : રક્ષાબંધનએ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પવિત્ર તહેવાર છે. જે માટે ભાઈ-બહેન આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે. આ દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. નાની ઉંમરના ભાઈ-બહેન માટે આ તહેવાર માત્ર ખુશીનો હોય છે. જયારે યુવા વયના કે તેથી મોટી ઉંમરના ભાઈ-બહેન માટે અને ખાસ કરીને સાસરે રહેતી બહેન માટે આ તહેવાર ભૂતકાળના સંસ્મરણોને તાજા કરવાનો દિવસ છે.

રક્ષાબંધનનો તહેવારને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ભાઈને માટે કેવી રાખડી લેવી, કઈ મીઠાઈ લેવી તેવી વિચારણા બહેનના મનમાં શરુ થઇ જતી હોય છે. બીજી બાજુ ભાઈઓ પણ એ વિચારતા હોય છે કે બહેનને શું ગિફ્ટ આપવી. દર વખતે કઈંક નવું કરવાનું આયોજન ભાઈ-બહેન કરતા હોય છે. ખાસ કરીને જયારે ભાઈ અન્ય શહેરમાં કે દૂર વસતો હોય ત્યારે બહેન શક્ય હોય તો ત્યાં જઈને રક્ષાબંધન ઉજવે છે. પરંતુ જો ભાઈ પાસે જવું શક્ય ન હોય તો રાખડી મોકલવાનું ચૂકતી નથી! ભાઈ પણ બહેનની રાખડીની પ્રતીક્ષામાં હોય છે.

- text

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 3 ઓગસ્ટના રોજ છે. એટલે કે નજીક જ છે. ત્યારે આ વર્ષે રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય છે. ત્યારે આ વર્ષે દૂર વસતા ભાઈ-બહેનો માટે સાથે મળી રક્ષાબંધન ઉજવવી મુશ્કેલ છે. આ અંગે મોરબી અપડેટ દ્વારા માર્કેટમાં રાખડી ખરીદતી બહેનોને પૂછવામાં આવ્યું હતું. ત્યારે એક જ ઘરમાં કે એક જ શહેરમાં રહેતા હોય તેવા ભાઈ-બહેનો કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે રક્ષાબંધન ઉજવશે તેમ જણાવ્યું છે. જયારે આ વર્ષે જુદાં-જુદાં શહેરમાં કે દૂર વસતા ભાઈ-બહેનો રૂબરૂ મળવાનું ટાળશે. તેમજ બહેન ભાઈને કુરિયર કે પોસ્ટ દ્વારા રાખડી મોકલી આપશે. અને ભાઈ-બહેન વીડિઓ કોલ કરી રક્ષાબંધનની ઉજવણી કરશે તેમ જાણવા મળ્યું છે.

રક્ષાબંધનએ મૂળ ભાઈ-બહેન એકબીજાની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે તેમજ જરૂર પડ્યે એકબીજાની પડખે ઉભા રહી મદદ કરે, તે માટેનો ઉત્સવ છે. ત્યારે આ વર્ષે ભાઈ-બહેન કોરોનાથી એકબીજાની રક્ષા કાજે રૂબરૂ મળીને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે રક્ષાબંધનની ઉજવશે તેમજ દૂર રહેતા ભાઈ-બહેન મળ્યા વિના રક્ષાબંધનની ઉજવણી કરશે. જે ખરા અર્થમાં એકબીજાની રક્ષા કરીને રક્ષાબંધનના ઉત્સવની સાર્થક ઉજવણી બની રહેશે!

- text