મોરબીમાં સરકારી શાળાના ઉજળા સંકેતો : જિલ્લામાં 1049 વિદ્યાર્થીઓનો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

ચાલુ વર્ષે મોરબી તાલુકામાં સૌથી વધુ 522 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

મોરબી : સામાન્ય રીતે સરકારી શિક્ષણ કથળી ગયાની વ્યાપક ફરિયાદ ઉઠતી હોય છે. સરકારી શાળામાં નબળા શિક્ષણને કારણે ખાનગી શાળાઓ તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓનો ક્રેઝ ઉતરોતર વધતો હોય છે. સરકારી શાળામાંથી વિધાર્થીઓને ઉઠાડીને ખાનગી શાળામાં દાખલ કર્યાના સંખ્યાબંધ દાખલાઓ હશે. પણ ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળા વિધાર્થીઓને દાખલ કર્યાના કિસ્સા સરકારી શિક્ષણ માટે ઉજળા સંકેત છે. આવા ઉજળા સંજોગ મોરબી જિલ્લામાં જોવા મળ્યા છે. એ પણ હાલ લોકડાઉનને કારણે શાળાઓ બંધ હોવા છતાં સરકારી શિક્ષણનો અદભુત ક્રેઝ જોવા મળ્યો છે.

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં હાલ સરકારી અને ખાનગી શાળાઓમાં કોરોનાના કારણે શિક્ષણ કાર્ય બંધ છે. આમ છતાં પણ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિધાર્થીઓને દાખલ કરવાનો પ્રવાહ અવિરતપણે ચાલુ રહ્યો છે. જેમાં ગત વર્ષે તા.31/10/2019 સુધીમાં 1089 વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે 20 જુલાઈ સુધીમાં 1049 વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જો કે હજુ ચાલુ વર્ષ બાકી હોય સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ ઘણો વધારો થવાની શકયતા છે. જ્યારે ચાલુ વર્ષે સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ મોરબી તાલુકામાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં દાખલ થયા છે. જેમાં મોરબી તાલુકામાં સૌથી વધુ ધો. 2 થી 8 સુધીમાં 522, હળવદમાં 234, વાંકાનેરમાં 160, ટંકારામાં 73 અને માળીયામાં 60 વિદ્યાર્થીઓ ખાનગી શાળામથી સરકારી શાળામાં દાખલ થયા છે.

મોરબી જિલ્લામાં ખાનગીમાંથી સરકારી શાળામાં આવેલ વિદ્યાર્થીઓની ધોરણ વાઇઝ સંખ્યા જોઈએ. તો ધો. 2માં 163, ધો.3માં 184, ધો.4માં 191, ધો.5માં 164, ધો 6માં 133, ધો.7માં 117, ધો.8માં 97 વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળા આવ્યા છે. જો કે આરટીઇ હેઠળ પ્રવેશ બાકી છે. જેમાં આરટીઇ હેઠળ પ્રવેશ અંદાજ મુજબ 5 હજાર જેટલી અરજીઓ આવતી હોય છે. જેમાં અંદાજે 2 હજારથી વધુને ક્વોટા મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હોય છે. ત્યારે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનો પ્રવાહ ચાલુ રહેશે. તેથી, સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યું હતું.

પ્રથમ ધોરણમાં આ વર્ષે 9123 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

જ્યારે ધો.1માં મોરબી તાલુકામાં 2405, માળીયામાં 897, ટંકારામાં 694, વાંકાનેરમાં 2804 અને હળવદમાં 2323 મળીને કુલ 9123 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હવે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સરકારી શિક્ષણ પ્રત્યેનું વલણ બદલાયું છે. સરકારી શિક્ષણ નબળું છે એ વાત હવે ભૂતકાળ બની જશે. સરકારી શાળાઓમાં તમામ સાધન સામગ્રી અને ક્વોલિફાઇડ સ્ટાફ હોય છે. એકંદરે ખાનગી કરતા સરકારી સ્કૂલ ચડિયાતી હોય છે. આથી, વિદ્યાર્થીઓ અને વાલીઓના અભિગમ હવે બદલાયા બાદ સરકાર અને તંત્રએ પણ સરકારી શાળાઓમાં નબળાઈઓ દૂર કરીને શિક્ષણ વધુ ગુણવત્તાસભર બનાવે એ જરૂરી છે.