મોરબીના ગાંધીચોક પાસે કચરો ફેકનાર દંડાશે : પાલિકા અને પોલીસની ટિમ રહેશે તૈનાત

- text


વર્ષો જૂની અતિશય ગંદકીની સમસ્યા ઉકેલવા તંત્રના સઘન પ્રયાસો : પાલિકા તંત્રએ કચરાના ગંજની સફાઈ કરીને મેદાનને ચોખ્ખું કર્યું

મોરબી : મોરબી પાલિકા કચેરીની પાછળ ગાંધીચોક પાસે શાકમાર્કેટ સામે આવેલી દિવાલના ભાગે વર્ષોથી કચરાના ગંજ ખડકાય છે. ખાસ કરીને શાક માર્કેટના બકાલીઓ અહીં સડેલા શાકભાજીઓ નાખી જતા હોવાથી હદ બહારની ગંદકી ફેલાય છે. આ સ્થળે ગંદકીની ગંભીર સમસ્યા છે, કે ચાલીને કે વાહન લઇને થોડી સેકન્ડો માટે પસાર થાય તો પણ માથું ભમી જાય છે અને ત્યાં જો થોડી વાર ઉભા રહીએ તો બેભાન જ થઈ જાય એમ છે. આવી પારાવાર ગંદકીની સમસ્યા ઉકેલવા માટે મોરબી પીલિક તંત્રએ કમર કસી છે.

મોરબી પાલિકા તંત્ર આ સ્થળેથી વખતો વખત કચરો ઉપાડે છે અને સફાઈ કરે છે. પણ શાક બકાલીઓ વહેલી સવારના વાસી શાકભાજીનો કચરો અહીં ફેંકી જાય છે. તેથી, કચરાના ગંજની સમસ્યા યથાવત રહે છે. જ્યારે થોડા સમય પહેલા એસપી સહિતના અધિકારીઓએ ગાંધીચોકમાં પાર્કિગના સ્થળે દબાણો હટાવ્યા હતા અને વીજ તંત્રનું વચ્ચોવચ આવેલું ટીસીને પણ સાઈડમાં ખસેડી દેવાયું હતું.

ગાંધીચોક પાસે પાલિકા તંત્ર દ્વારા પ્રમુખ કેતન વિલપરાની આગેવાનીમાં હાલ કચરાના ગંજની સફાઈ કરવામાં આવી હતી. કોંક્રિટ પાથરીને મેદાનને સમથળ કરવામાં આવ્યું હતું. અને શાક માર્કેટમાં લોકો આવે તો આ સ્થળે વાહન પાર્કિગ કરી શકે તેવી ગેઇટની યોગ્ય વ્યવસ્થા કરવાનું પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું. અહીં કોઈ કચરો ન નાખે તે માટે પોલીસ અને પાલિકાની ટીમ ખડેપગે રહેશે અને કચરો નાખશે તેને રૂ. 500 થી વધુનો દંડ ફટકારવામાં આવશે.

- text

પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ પણ આ સ્થળે કચરો ન થાય અને ગંદકી નાબૂદ થાય તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. એસપી કરનરાજ વાઘેલા અને પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સતત જહેમતને અંતે આ સ્થળે વર્ષો જૂની ગંદકીની સમસ્યાનો ઉકેલ આવવાની આશા જાગી છે અને જ્યાં કચરો ફેંકાય છે ત્યાં ગેઇટ બની જશે. આથી, વાહનો લોકો પાર્ક કરી શકશે. કચરાના કારણે અવારનવાર થતા આખલાયુદ્ધ પણ બંધ થઈ જશે. તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

- text