વાંકાનેરના ચંદ્રપુર ગામે યુવાનની હત્યા મામલે ફરિયાદ નોંધાઇ, આરોપી ટ્રકચાલકની શોધખોળ

ફોન ઉપર વાતચીત કરતી વખતે તકરાર થતા ટ્રક ચાલકે યુવાનની હત્યા કરી નાખ્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે બે દિવસ પહેલા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે એક ટ્રક ચાલકે આ યુવાનની હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાનું ખુલ્યું હતું. હવે આ બનાવની ફરિયાદ નોંધાઇ છે.જેમાં ફોન ઉપર વાતચીત કરતી વખતે તકરાર થતા ટ્રક ચાલકે યુવાનની હત્યા કરી નાખ્યાની મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આરોપી ટ્રક ચાલક સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ હત્યાના બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદ કંડલા નેશનલ હાઇવે રોડ ચંદ્રપુર ગામ નજીક નુરાની ચેમ્બર પાસે વાંકાનેર નજીક ગત તા.૨૩ જુલાઈના રોજ સંતોષ ઉર્ફે સંજય (ઉ.વ ૨૩) નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે આ હત્યા ટ્રક ચાલકે કરી હોવાનું અને હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાનું ખુલ્યું હતું. જ્યારે મરણ જનારના માતા પિતા તથા પરીવાર ઇન્દોર જીલ્લાના રીંજલાય ખાતે રહેતા હોય તેઓને બનાવની જાણ કરતા અત્રે ફરીયાદ નોંધવામા વિલંબ થયો હતો અને આજે આ બનાવની ફરિયાદ નોંધાઇ હતી.

મૃતકના ભાઈ રાજેશભાઇ ઉર્ફે રાજુ રતનસિંહ શંકરલાલ બાંમણીયા (ઉ.વ ૨૧, ધંધો ડ્રાઇવીંગ, રહે. રીંજલાય, તા.જિ. ઇન્દોર-મદયપ્રદેશ) એ આરોપી હારૂનભાઇ સુભ્રાતીશા ઉર્ફે ચીંગો દીવાન (રહે હાલ સુડવેલ સોસાયટી વઢવાણ, મુળ રહે કામલપુર, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના મોટા ભાઇ સંતોષ ઉર્ફે સંજય (ઉ.વ ૨૩)ને આરોપી સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરતા બન્ને વચ્ચે તકરાર ગાળાગાળી થઈ હતી. બાદમાં આરોપી તથા ફરિયાદીના મોટા ભાઇ સંતોષ ઉર્ફે સંજય રૂબરૂ મળતા ફોન ઉપર થયેલ ઝગડાના કારણે બન્ને વચ્ચે બોલાચાલી તકરાર થતા આરોપીએ ટ્રક નં- જી.જે-૦૧ બી.વી. ૧૪૭૨ માંથી લોખંડનો પાઇપ કાઢી ફરિયાદીના મોટા ભાઇ સંતોષ ઉર્ફે સંજયને માથાના પાછળના ભાગે લોખંડના પાઇપના ઘા મારી ગંભીર ઇજા કરી મોત નીપજાવી આરોપી નાશી છૂટ્યો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.