મોરબીના માધાપર અને લાયન્સનગરમાં ભૂગર્ભ ગટરની સફાઈ હાથ ધરાઈ

પાણી પુરવઠા બોર્ડે ભૂગર્ભ ગટરમાં ખામી રાખી દેતા હજુ સુધી પાલિકાએ ગટર સંભાળી નથી તેમ છતાં તંત્રએ ગટરની સફાઈ શરૂ કરી : પાલિકા પ્રમુખ

મોરબી : મોરબીના માધાપર અને શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે. આથી, પાલિકા તંત્રએ આ ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવાની કવાયત હાથ ધરી છે. પાલિકા તંત્રએ ભૂગર્ભ ગટરની સફાઈ હાથ ધરી છે.

મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે પાણી, પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અગાઉ નવી ભૂગર્ભ ગટર બનાવીને કાર્યરત કરી હતી. પણ આ નવી ભૂગર્ભ ગટરમાં અનેક ખામીઓ હોવાથી હજુ સુધી ભૂગર્ભ ગટર પાલિકાએ સંભાળી નથી. પાણી પુરવઠા બોર્ડની ખામીઓને કારણે જ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે અને મોરબીના માધાપર અને લાયન્સનગરમાં નવી ભૂગર્ભ ગટર ઘણા સમયથી ઉભરાઈ રહી છે. આ ભૂગર્ભ ગટર હજુ પણ પાણી પુરવઠા બોર્ડ હસ્તક છે. તેથી, આ ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા માટે પાલિકા તંત્રએ જામનગરની એક ટીમને ચાર મહિના સુધીનો કોન્ટ્રાકટ આપ્યો છે અને આ ટીમ દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ હાથ ધરવામાં આવી છે. જોકે આ બન્ને વિસ્તારમાં રોડના કામોને લીધે કોંક્રેટ ભૂગર્ભમાં ભરાઈ જતી હોય આ કોંક્રેટ સહિતનો કચરો કાઢીને સફાઈ કરવામાં આવે છે.