મોરબીના ડોક્ટરના પુત્રના મ્યુઝિક આલ્બમમાં અનેક દેશના સિંગરોએ અવાજ આપ્યો

વિશ્વસ્તરે કલાની નોંધ લેવાતા યુવાવયમાં જેનીલ દેવાણીએ મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી : મોરબીના રહેવાસી ડો. ભાવેશ દેવાણીના પુત્ર જેનિલ દેવાણી, કે જે ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટિસ્ટ છે. તેણે લખેલા પ્રથમ ઈગ્લિશ મ્યુઝિક આલ્બમને વિશ્વસ્તરે આવકાર મળ્યો છે. આ મ્યુઝિક આલ્બમ ‘ક્લબ સનસેટ’ની વિશેષતા એ છે કે તેમાં વિશ્વના દરેક ખંડ એટલે કે નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના ખ્યાતનામ ગાયકોએ તેમનો અવાજ આપ્યો છે. તેમની સાથે સંકલન કરીને જેનિલ દેવાણીએ આ ગીતોને લખ્યા છે, ગીતોનું મ્યુઝિક બનાવ્યું છે તેમજ તે આ આલ્બમના મ્યુઝિક પ્રોડ્યુસર પણ છે.

આ આલ્બમ હાલમાં રિલીઝ થયેલ છે. ક્લબ સનસેટ સમગ્ર વિશ્વમાં એપલ મ્યુઝિક, સ્પોટીફાય, જીઓ સાવન, એમેઝોન મ્યુઝિક, ગુગલ પ્લે, યુ-ટયુબ તેમજ ડિઝર જેવી દરેક મ્યુઝિક સાઈટ પર સાંભળી શકાય છે. આ સાથે ક્લબ સનસેટ આલ્બમ વિશેનો જેનિલ દેવાણીનો ઈન્ટરવ્યુ ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન મ્યુઝિક મેગેઝીન ફ્રેશ આઉટ ઓફ ધ બૂથ દ્વારા લેવામાં આવેલ છે. હાલમાં જ ન્યુયોર્કની રેડીઓ ચેનલ કિંગસ્ટન ન્યુયોર્ક પર આ ગીતો રજુ થવા જઈ રહ્યા છે.

જેનિલ ભાવેશ દેવાણી હાલમાં ફર્સ્ટ એમબીબીએસમાં ગૌત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. જેનિલ દેવાણીની ઓફિશિયલ વેબસાઈટ www.Jainildevani.com છે. તેમજ apricot&Peachએ તેમનું લેબલ છે. આટલી નાની વયે આવી સિદ્ધિ મેળવીને જેનિલ દેવાણીએ મોરબીનુ ગૌરવ વધાર્યું છે. જે બદલ તેના પરિવારજનો તથા મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.