મોરબીના અગ્નેશ્વર મંદિર તથા ટંકારાના નાના જડેશ્વર મંદિરે શ્રાવણ માસના કાર્યક્રમો મોકૂફ રખાયા

મોરબી : આગામી તા. 21 જુલાઈને મંગળવારના રોજ પવિત્ર શ્રાવણ માસ શરુ થાય છે. અને હાલમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી પણ ચાલી રહી છે. ત્યારે મોરબી ખાતે અગ્નેશ્વર મહાદેવ મંદિર દ્વારા મંદિરમાં પૂજાપાઠ, ઘાર્મિક કાર્ય, ભંડારા, પ્રસાદી તથા લગ્ન પ્રસંગ કરવાની મનાઇ કરવામાં આવેલ છે. તેમજ મંદિર માત્ર સવારે તથા સાંજે આરતી કરવા માટે જ ખોલવામાં આવશે. મંદિરમાં પૂજારી તથા એક સેવક જ પ્રવેશ કરી શકશે. ત્યારપછી મંદિર તરત જ બંધ કરવામાં આવશે, તેમ મંદિર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ટંકારા ખાતે નાના જડેશ્વર મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન મહાપૂજા, રુદ્રી પૂજા તથા આરતી બંધ રાખવામાં આવેલ છે. તેમજ યાત્રાળુઓ માટે રાત્રિ રોકાણ તથા ઉતારાની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. માત્ર સવારે 7 થી 11 તથા બપોરે 3 થી 6 દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શનની છૂટ આપવામાં આવી છે. તેમ મંદિરના મહંતે યાદીમાં જણાવેલ છે.