મોરબીમાં ભાજપના કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સના ભંગ મામલે ગુન્હો નોંધવાની માંગ

આમ આદમી પાર્ટીએ કલેકટર રજુઆત કરી તમામ જવાબદારો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધવાની માંગ કરી

મોરબી : મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશ રાજ્યગુરુએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી શહેરમાં ભાજપ પક્ષની આજે મળેલ મીટીંગમાં ગુજરાત રાજ્યના મંત્રી સૌરભભાઈ પટેલની હાજરીમાં લોકોને ભેગા કરી સોશ્યલ ડિસ્ટન્સના પાલનનો અભાવ જોવા મળ્યો હતો અને સરકારના જાહેરનામા હોવા છતાં આગેવાનો તથા કાયર્કરો માટે ભોજન સમારંભ યોજાયો હતો. ત્યારે તમામ નિયમ અને કાયદા સામાન્ય પ્રજા માટે જ છે. લગ્નપ્રસંગે પણ ૫૦ માણસોની જ છૂટ છે. તેમ છતાં સતાપક્ષમાં રહેલા ભાજપ અને સરકારના મંત્રીને આ નિયમ લાગુ પડતો નથી. તેવો સવાલ ઉઠાવ્યો હતો.

વધુમાં, તેઓએ રજુઆતમાં ઉમેર્યું હતું કે કોરોના જેવી મહામારી ન ફેલાય તે માટે હોટલો પણ પૂરતા પ્રમાણમાં ચાલુ નથી. સામાજિક પ્રસંગો પણ સરકારની ગાઈડ લાઈન મુજબ મર્યાદિત લોકોની સંખ્યા સાથે યોજી શકાય છે. ત્યારે આ પેટા ચૂંટણીના અનુસંધાને મોરબીમાં ભાજપની મળેલી આજની બેઠકમાં સરકારના નિયમોને નજરઅંદાજ કરી જમણવાર યોજાયો હતો અને સોશ્યલ ડિસ્ટન્સની પણ ખ્યાલ રાખવામાં આવેલ નથી. તેથી, જાહેરનામાં ભંગ બદલ આજની ભાજપની યોજાયેલી બેઠકમાં આવેલ તમામ સામે ફરિયાદ દાખલ કરવા કરવાની માંગ કરી હતી અને આ બાબત જો યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો પ્રજાકીય આંદોલન કરવાની ફરજ પડશે તેમજ જરૂર પડે કોર્ટમાં જવાની ફરજ પડશે તેવું તેમણે જણાવ્યું હતું.