વ્યક્તિની સંવેદના પણ વરસાદની જેમ ક્યારેક ધોધમાર વરસે તો ક્યારેક ઝરમર માટે પણ તરસાવે!

(લવ યુ, જિંદગી.. માર્ગી મહેતાની કલમે..)
આ બંને પ્રાકૃતિક તત્વોના સ્વભાવમાં ઘણી સામ્યતાઓ રહેલી છે.

તમે મન મુકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીનાં માણસ, માવઠું આપણને નહીં ફાવે.
– ખલીલ ધનતેજવી

વ્યક્તિ અને વર્ષાઋતુ, આ બંને પ્રાકૃતિક તત્વોના સ્વભાવમાં ઘણી સામ્યતાઓ રહેલી છે. માણસની સંવેદનાનું પણ વરસાદ જેવું જ છે. ક્યારેક ધોધમાર વરસે તો ક્યારેક ઝરમર માટે પણ તરસાવે! એટલે જ જ્યારે પૂછવામાં આવે કે કઇ ઋતુ પસંદ છે? ત્યારે મોટાભાગનાં લોકોનો જવાબ વર્ષાઋતુ હોય છે.

અમુક વ્યક્તિઓનો સ્વભાવ વાદળ જેવો હોય છે. વાદળ બહારથી કોરા અને અંદર પાણીથી તરબતર હોય છે. એવી જ રીતે, અમુક લોકો લાગણીની બાબતે સાવ કોરાધાકોર લાગતા હોય, ક્યારેક થાય કે શું તેવા લોકો સાવ જ પથ્થર દિલ હશે? પણ અંદરથી તેઓ લાગણીશીલ હોય તેવું બની શકે છે. તેવા લોકો સમય આવે ત્યારે જ લાગણી વ્યકત કરતા હોય છે. ત્યારે આપણને ખબર પડે કે કડક વ્યક્તિત્વની પાછળ ઋજુ દિલ છુપાયેલું છે. જાણે તેવા લોકોનું કહેવાનું હોય છે કે…

બારીની જેમ બંધ છું, જડબેસલાક છું,
પલળી રહેલ ગામમાં કોરોકટાક છું.
– મિલિંદ ગઢવી

અમુક લોકોને ‘ગાજ્યા મેહ, વરસે નહીં’ એ કહેવત લાગુ પડે છે. કોઈવાર વાદળા ગર્જના ખૂબ કરે પણ વરસે નહીં અથવા તો ઝરમર વરસીને જતા રહે. તેવી જ રીતે, અમુક વ્યક્તિ કોઈ કાર્ય ચાલુ કરે તે પહેલા જોરશોરથી પ્રચાર કરે પછી કામ અધૂરું રાખી મુકે અથવા કામમાં કાંઇ સારાપણું ન હોય. તેવા લોકો માત્ર ‘આરંભે શૂરા’ હોય છે.

ચોમાસાની ઋતુની એક ખાસિયત છે. વરસાદ પણ આવે, તડકો હોય ત્યારે ઉઘાડ પણ નીકળે અને પવન પણ વા’તો હોય. માટે ક્યારેક ચોમાસું ત્રણેય ઋતુનું મિક્સચર લાગે. એવી જ રીતે, અમુક લોકો મૂડી-ધૂની હોય. પોતાની ધૂનમાં જ ખોવાયેલા હોય અને ક્યારે મૂડ બદલાય જાય તેની ખબર ન હોય. થોડા વિચિત્ર વ્યક્તિ હોય, સમજી ન શકાય તેવા. કનફ્યૂસિન્ગ કેરેક્ટર.

તો અમુક લોકો એવા હોય, જેનાં પર અતૂટ વિશ્વાસ હોય, એનાં વિશ્વાસે આપણાં શ્વાસ ચાલતા હોય, તેવા વ્યક્તિ જ વિશ્વાસઘાત કરે તેવું બને. વરસાદની જેમ આગાહી હોય ત્યારે આવે નહિ અને કોઈ એંધાણ ન હોય ત્યારે આવીને છેતરે. જાણે આ પંક્તિને સાર્થક કરી જાય.

રિસાયને છુપાયો છે વરસાદ ખબર નહીં ક્યાં
બિલકુલ તમારી જેમ જ,
આવશે અચાનક અને વરસશે મુશળધાર
બિલકુલ તમારી જેમ જ.
– અજ્ઞાત

કદાચ, મનુષ્યોની જેમ ઈશ્વરને પણ વર્ષાઋતુ પસંદ હશે. બાકી આમ જ કાંઇ થોડી સૌથી માનીતા અને ચાહીતા ભગવાન વર્ષાઋતુમાં અવતરે. કાળી મેઘલી રાતે કારાગારમાં જન્મ લેવો, ધોધમાર વરસાદમાં યમુનાના ધસમસતા પૂર વચ્ચે ગોકુલ પહોંચવું, ઇન્દ્રનાં પ્રકોપને લીધે બારેય મેઘ ખાંગા થયાં ત્યારે વ્રજવાસીઓને ગોવર્ધન પર્વત ધારણ કરી બચાવવું, વરસતા વરસાદમાં રાધા સાથે હિંડોળે ઝુલવૂ, જેવી શ્રી કૃષ્ણની અનેક લીલાઓ વર્ષાઋતુ સાથે સંકળાયેલી છે. તો કૃષ્ણના જીવનને યાદ કરાવતી વર્ષારાણી જ્યારે આપણી પર મહેરબાન થાય ત્યારે માનવીનું મન મોર બની થનગનાટ તો કરે જ ને!

~ માર્ગી મહેતા