માળીયાના હરિપર ગામે અંગત અંદાવત મામલે કારખાનેદાર ઉપર હુમલો

બે શખ્સો સામે માર માર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામે કારખાનેદાર ઉપર અંગત અદાવત મામલે બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. માળીયા પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મિયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળિયાના હરિપર ગામે રહેતા સીદીકભાઈ અલ્લારખાભાઈ પાયકએ જાનમહંમદ રણમલભાઈ મોવર અને એક અજાણ્યા શખ્સ સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે કારખાનેદાર ગઈકાલે તા.3 ના રોજ માળિયાના હરિપર ગામે રણમાં આવેલ પોતાના કારખાને હતા. તે સમયે બે આરોપીઓ તેમના કારખાને આવ્યા હતા અને કોઈ બાબતનું મનદુઃખ રાખીને બન્ને આરોપીઓ ફરિયાદી સીદીકભાઈને ગાળો આપી ધોકાથી તેમને માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માળીયા પોલીસે ફરિયાદ નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.